Indian Ladies in UK staged a protest outside Scotland Yard

યુકેના સૌથી મોટા ભારતીય માઇગ્રન્ટ્સ મહિલા જૂથ ‘ઇન્ડિયન લેડિઝ ઇન યુકે’ના સભ્યો ગુરુવાર તા. 11 મે’ના રોજ બ્રિટનના સૌથી મોટા પોલીસ દળ સ્કોટલેન્ડ યાર્ડના મુખ્યાલયની બહાર એકઠા થઇને સંવેદનશીલ માઇગ્રન્ટ મહિલાઓના રક્ષણમાં પોલીસની વારંવારની નિષ્ફળતાઓ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

મહિલાઓએ દેશભરના પોલીસ દળોને માઇગ્રન્ટ મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા અનોખા સંજોગો અંગે જાગૃતિ વધારવા માટે અરજ કરી હતી. સત્તા પર રહેલા લોકોને આ વ્યક્તિઓ દ્વારા સહન કરવામાં આવતી શારીરિક, ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક હિંસાના કેસોને કેવી રીતે હેન્ડલ કરવા તે અંગેની સમજના ગંભીર અભાવને દૂર કરવા વિનંતી કરી હતી.

પોલીસને જણાવાયું હતું કે આ પીડિત મહિલાઓના સંજોગો અનન્ય પડકારો રજૂ કરે છે. તેઓ સંપૂર્ણપણે અજાણ્યા વાતાવરણમાં છે; તેમની પાસે સપોર્ટ નેટવર્કનો અભાવ છે; તેમના વિઝા સ્ટેટસના કારણે તેઓ ઘણીવાર જાહેર સેવાઓનો ઉપયોગ કરવામાં અસમર્થ હોય છે. આ ઉપરાંત ભાષા અને સાંસ્કૃતિક અવરોધો તથા કાયદા અને કાનૂની અધિકારોની સમજનો અભાવ તેમને મદદ અને સમર્થન મેળવવામાં અવરોધ ઉભો કરે છે.  આ પ્રદર્શનમાં ભોગ બનેલી મહિલાઓએ આપવીતી રજૂ કરી હતી.

પ્રદર્શનનું નેતૃત્વ કરનાર ILUK સ્થાપક પૂનમ જોશીએ જણાવ્યું હતું કે “મારૂ કામ એવી મહિલાઓને મદદ કરવાનું છે જેમનું જીવન તેમના જ પુરૂષો દ્વારા બરબાદ થઈ ગયું છે. તેમને પોલીસિંગ દ્વારા વારંવાર નિરાશ કરવામાં આવે છે અને ન્યાય પ્રણાલી તેમની સાથે બીજા વર્ગના નાગરિકોની જેમ વર્તે છે. મારે પોલીસ દળોને મદદ કરવા દબાણ કરવું પડ્યું હોવાના અસંખ્ય દાખલા છે. પણ પરિસ્થિતિ ખૂબ જ ભયાવહ બની જતા અમને કાયદો હાથમાં લેવાની ફરજ પડી છે. દેશભરમાં ઘરેલું હિંસાનો સામનો કરવામાં પોલીસ દળોની વ્યાપક નિષ્ફળતાને કારણે હજારો મહિલાઓ જોખમમાં મુકાઈ છે. આ નિષ્ફળતાઓ પ્રથમ પેઢીના માઇગ્રન્ટ લોકોને બમણી રીતે નુકસાન પહોંચાડે છે, કેમ કે તેઓ દુરુપયોગના આઘાત ઉપરાંત એવી સિસ્ટમનો સામનો કરે છે કે જેમાં તેઓને તાત્કાલિક જરૂર હોય તેવા સમર્થનની સમજ હોતી નથી.’’

આ પ્રદર્શનમાં ILUK , શીખ વિમેન્સ એઇડના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY