ભારત સ્થિત કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરવાના કેસમાં અમદાવાદવાસી એક ભારતીય નાગરિકને 20 વર્ષની જેલ સજા કરવામાં આવી છે.
2013થી 2016 દરમિયાન ભારતમાં કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરિકો સાથે લાખો ડોલરની છેતરપિંડી બદલ અમદાવાદના નાગરિક હિતેશ માધુભાઇ પટેલ (44)ને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. અમેરિકાના સધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ટેક્સાસના ન્યાયાધિશ ડેવિડ હિટનરે પટેલને 20 વર્ષની જેલ સજા કરી છે. તેમના પર ડિવાઇસ ફ્રોડ, મની લોન્ડરીંગ, વાયર ફ્રોડ કરવાનો આરોપ છે. પટેલે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને 89,70,396 અમેરિકન ડોલર પરત પણ ચૂકવવા પડશે.
અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં ક્રિમિનલ ડિવિઝનના એક્ટિંગ એટર્ની જનરલ બ્રાયન સી. રેબિટે આ માહિતી આપી હતી. રેબિટે વધુમાં જણાવ્યું હતું કે, પટેલે ઘણા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરી છે અને તેની સાથે સંકળાયેલા લોકો સાથે કોલ સેન્ટર દ્વારા પોતાનો શિકાર બનાવતા હતા. પટેલે નિવેદન આપ્યું હતું કે, અમદાવાદમાં તેમણે કેટલાક લોકો સાથે મળીને કોલ સેન્ટર શરૂ કર્યું હતું અને અમેરિકામાં ફોન કોલ કરીને અમેરિકન નાગરિકોને છેતરતા હતા. પટેલ ઇમેઇલ અને વોટ્સએપ ગ્રુપ દ્વારા અમદાવાદના કોલ સેન્ટર સાથે જોડાયેલા રહેતા હતા. પટેલનું એપ્રિલ 2019માં સિંગાપોરથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું અને પછી તેમના વિરુદ્ધ અમેરિકા કેસ ચાલ્યો હતો.