ભારતનું આઇટી અને બિઝનેસ સર્વિસિસ માર્કેટ વાર્ષિક 5.4 ટકાની વૃદ્ધિ સાથે આ વર્ષના ડિસેમ્બરમાં આશરે 13 બિલિયન ડોલરનું થવાનો અંદાજ છે, એમ રિસર્ચ કંપની IDCએ જણાવ્યું હતું.
ચાલુ વર્ષના જાન્યુઆરીથી જૂન દરમિયાન આ ક્ષેત્રમાં વાર્ષિક ધોરણે 5.3 ટકા વૃદ્ધિ થઈ હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં 8.9 ટકા હતી. આઇટી અને બિઝનેસ સર્વિસિસ માર્કેટમાંથી આઇટી સર્વિસિસ માર્કેટે 2020ના પ્રથમ છ મહિનામાં 77.4 ટકા યોગદાન આપ્યું હતું અને તેમાં વાર્ષિક ધોરણે 5.9 ટકા વૃદ્ધિ થઈ હતી. ગયા વર્ષના સમાન ગાળામાં આ વૃદ્ધિ 9.3 ટકા હતી.
IDCના અહેવાલમાં જણાવ્યા અનુસાર 2021થી આઇટી સર્વિસ માર્કેટમાં મોમેન્ટમ આવશે અને તે 2019-24 દરમિયાન વાર્ષિક ધોરણે સરેરાશ 7.2 ટકા વૃદ્ધિ સાથે 2024ના અંતે 13.4 બિલિયન ડોલરનું થવાનો અંદાજ છે. કોરોના મહામારીને કારણે આઇટી સર્વિસિસ માર્કેટની વૃદ્ધિ ધીમી પડી છે.
ક્લાઉડ એપ્લિકેશન (કોલાબરેશન એપ્લિકેશન અને વિડિયો કોન્ફરન્સિંગ) અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારાને કારણે ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં એપ્લિકેશન હોસ્ટિંગ સર્વિસિસ અને ઇન્ફ્રા હોસ્ટિંગ સર્વિસિસનો ગ્રોથ રેટ ઊંચો રહ્યો હતો.
IDC ઇન્ડિયા માર્કેટ એનાલિસ્ટ ગરીમા ગોયંકાએ જણાવ્યું હતું કે હાલના મુશ્કેલ સમયમાં આઇટી કંપનીઓ કોલાબરેશન એપ્લિકેશન, વીપીએન લાઇસન્સ, એન્ડ પોઇન્ટ ડિવાઇસિસ, સાઇબરસિક્યોરિટીઝ સોલ્યુશન, ક્લાઉડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશનમાં જંગી રોકાણ કરી રહી છે.