જીડીપીમાં સતત બે ક્વાર્ટર સુધી ઘટાડાને પગલે ભારત ટેકનિકલ રીતે મંદીમાં પ્રવેશ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં દેશની જીડીપીમાં અગાઉના વર્ષ અગાઉની સરખામણીમાં 8.6 ટકા ઘટવાનું અનુમાન છે. આ રીતે સતત બે ક્વાર્ટરમાં જીડીપી ઘટવાની સાથે દેશ પ્રથમ વખત ટેકનિકલ મંદીમાં સપડાયો છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના અહેવાલમાં જણાવાયું છે.
કોરોના મહામારી અને લોકડાઉનની અસરને કારણે પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીમાં 23.9 ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો હતો. બીજા ક્વાર્ટરમાં જીડીપીના સત્તાવાર આંકડા જાહેર થાય નથી પરંતુ આરબીઆઈના રિસર્ચરોએ તાત્કાલિક પૂર્વાનુમાન રીતના ઉપયોગ મારફત અનુમાન લગાવ્યું છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8.6 ટકા સુધીનો ઘટાડો રહી શકે છે. આ માહિતી આરબીઆઇના માસિક બુલેટિનમાં પ્રકાશિત થઇ છે.
આરબીઆઈને અગાઉથી જ પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે કે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન જીડીપીમાં 9.5 ટકાનો ઘટાડો થઇ શકે છે. આરબીઆઇના રિસર્ચર પંકજ કુમાર દ્વારા તૈયાર કરવામાં આવેલ અધ્યયન નોંધમાં કહેવામાં આવ્યું છે કે ભારત ટેક્નિકલ રીતે 2020-21ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન પોતાના ઇતિહાસમાં પ્રથમ વખત આર્થિક મંદીમાં સપડાઈ ગયું છે.
ઇકોનોમિક એક્ટિવિટી ઇન્ડેક્સ એટલે કે આર્થિક કામકાજનો સૂચકાંક શીર્ષક હેઠળ લખવામાં આવેલ લેખમાં કહેવામાં આવ્યું છે કે સતત બીજા ક્વાર્ટરમાં આર્થિક ઘટાડો થવાનું અનુમાન છે. જોકે તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પ્રવુતિઓ ધીમેધીમે સામાન્ય થવાની સાથે સાથે ઘટાડાનો દર પણ ઓછો થઇ રહ્યો છે અને સ્થિતિ સારી થવાની આશા છે.