India launches e-Visa facility for Canada
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતે છેલ્લી ઘડીએ યુકે ટુરિસ્ટ વિઝા નિયમોમાં ફેરફાર કર્યો હોવાના ટ્રાવેલ એજન્ટોના દાવાને લંડન ખાતેના ભારતના હાઇકમિશને ફગાવી દીધો છે. અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે ભારતે ટુરિસ્ટ વિઝા નિયમોમાં ફેરફાર કર્યો હોવાથી હજારો બ્રિટિશ પ્રવાસીઓને તેમની ઇન્ડિયા ટ્રીપ કેન્સલ કરવાની ફરજ પડી રહી છે. ભારતીય હાઇકમિશને જણાવ્યું હતું કે બ્રિટિશ અરજદારોએ VFS સેન્ટર્સ પર હંમેશા રૂબરુ હાજર રહેવું પડે છે.

ઇન્ડિયન મિશને જણાવ્યું હતું કે વ્યક્તિગત વિઝા અરજદારોએ રૂબરુમાં VFS સેન્ટર ખાતે વિઝા અરજી સબમિટ કરવી પડે છે વ્યક્તિગત વિઝા અરજીઓ માટે વીઝા અરજી પ્રક્રિયામાં કોઇ ફેરફાર કરાયો નથી. અમારા ધ્યાનમાં આવ્યું છે કે બિનસત્તાવાર એજન્ટ્સ અને વ્યક્તિઓ ગેરકાયદે ફી વસૂલ કરી રહ્યાં છે અને VFS સેન્ટરમાં જમા કરવા માટે ઇન્ડિયા વિઝા અરજીઓ એકઠી કરી રહ્યાં છે. તેઓ આ રીતે અરજદારને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. આ મુદ્દાની હાલમાં તપાસ ચાલુ છે. ભારતનું હાઇકમિશન ભારપૂર્વક જણાવે છે કે VFS ગ્લોબલ સર્વિસિસ ભારત સંબંધિત પાસપોર્ટ-વિઝા અને કોન્સ્યુલર સર્વિસિસ માટેની યુકે ખાતેની એકમાત્ર સત્તાવાર આઉટસોર્સિંગ પ્રોવાઇડર છે.

ભારત માટેના વિઝા મેળવવા માટે વિઝા એજન્ટનો ઉપયોગ કરનારા બ્રિટિશ ટુરિસ્ટને તેમની હોલિડે યોજના રદ કરવી પડી રહી છે, કારણ કે વિઝા એજન્ટને ગયા સપ્તાહે નોટિસ મળી હતી કે તમામ અરજદારોએ વિઝા અરજીઓ સુપરત કરવા VFS સેન્ટર્સ પર રૂબરુ હાજર થવું પડશે. ઘણા અરજદારોએ વીએફએસ સેન્ટર્સ પર ન જવું પડે તે માટે આવા એજન્ટ્સને મોટી ફી ચુકવી હતી અને હવે ફ્લાઇટ્સ ઉપડે તે પહેલા એપોઇન્ટમેન્ટ મળી નથી.

ભારતમાં પ્રવાસ કરવા માટે ઓનલાઈન ટુરિસ્ટ ઈ-વિઝાનો વિકલ્પ ધરાવતા ૧૫૦થી વધુ દેશોમાં યુકેનો સમાવેશ થતો નથી. તેથી અરજદારોએ તેમની અરજી પ્રક્રિયા માટે વીએફએસ કેન્દ્રોમાં લાઈનોમાં લાંબો સમય રાહ જોવી પડે છે.
AITOના પ્રવક્તાએ જણાવ્યું હતું કે AITO ઓપરેટર્સ પાસે 10 મિલિયન પાઉન્ડના બુકિંગ થયા છે અને તેની સામે જોખમ છે. AITO એક સ્પેશ્યાલિસ્ટ ટ્રાવેલ એસોસિયેશન છે, જે 120 યુકે ટુર ઓપરેટર્સનું પ્રતિનિધિત્વ કરે છે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ લાંબા સમયથી વિઝા એજન્ટા પર આધાર રાખે છે, કારણ કે વિઝા સેન્ટર સુધી મુસાફરો કરવાનો પ્રવાસીઓ માટે સમય બચે છે.

ભારત માટે સ્પેશ્યલ ઇન્ટરેસ્ટ ટુર્સ અને ટેઇલર મેઇડ હોલિડેનું આયોજન કરતાં લંડન ખાતેના ઇન્ડસ એક્સપિરિયન્સના મેનેજિંગ ડાયરેક્ટર યાસીન ઝરગરે જણાવ્યું હતું કે જો રૂબરુમાં જવામાં આવે તો પણ આગામી બે મહિના સુધી એપાઇન્ટમેન્ટ ઉપલબ્ધ નથી. ઓનલાઇન એપોઇન્ટમેન્ટ બુક કરવામાં ન આવે તો કોઇ વિકલ્પ નથી.

AITOના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તમારે વિઝા મેળવવા માટે રૂબરુમાં જવું પડે અને તમે રૂબરુમાં જાઓ ત્યારે કલાકો સુધી રાહ જોવી પડે તે સૌથી વધુ બિનકાર્યક્ષમ માર્ગ છે. તેનાથી ભારતના અર્થતંત્રને ફટકો પડશે, કારણ કે આ ટુરિસ્ટ ભારતમાં ઘણા પૈસાનો ખર્ચ કરે છે અને તેનાથી નાના બિઝનેસને મદદ મળે છે. મહત્ત્વનો મુદ્દો એ છે કે પૂરતી એપાઇન્ટમેન્ટ નથી.

ભારતીય હાઇ-કમિશને જણાવ્યું હતું કે તે તેની સર્વિસિસમાં ઉણપોને દૂર કરવાના પ્રયાસ કરી રહ્યું છે. ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટર્સે યુકે માટે ટુરિસ્ટ ઇ-વિઝા ફરી ચાલુ કરવામાં મદદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયને એક પત્ર લખ્યો છે.

LEAVE A REPLY