લંડનમાં ઓલ્વીચ ખાતે આવેલ ભારતીય હાઇ કમિશન ખાતે ખાલીસ્તાની સમર્થકોએ સુત્રોચ્ચારો કરી ભારતીય રાષ્ટ્રદ્વજ ત્રિરંગાને નીચે ઉતારીને ખાલિસ્તાનનો ધ્વજ લહેરાવવાની અને બારીઓ તોડવાની ઘટના પર પ્રતિક્રિયા આપતા, લંડનના મેયર સાદિક ખાને તેણે ટ્વિટ કરી કહ્યું હતું કે ‘’હું હિંસક અવ્યવસ્થા અને તોડફોડની ઘટનાની નિંદા કરૂ છું આપણા શહેરમાં આ પ્રકારના વર્તન માટે કોઈ સ્થાન નથી.”

ભારત સ્થિત બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે આ ઘટનાને “શરમજનક” ગણાવી એક ટ્વીટ કરતાં કહ્યું હતું કે “હું ભારતીય હાઇ કમિશનના (@HCI_London) લોકો અને પરિસર વિરુદ્ધ આજે અપમાનજનક કૃત્યોની નિંદા કરું છું – જે તદ્દન અસ્વીકાર્ય છે.”

બ્રિટિશ શીખ અને લોર્ડ રેમી રેન્જરે જણાવ્યું હતું કે ‘’શીખ સમુદાય આઘાત અને અવિશ્વાસમાં છે કે કેવી રીતે મુઠ્ઠીભર ગેરમાર્ગે દોરાયેલો સમૂહ એક પ્રતિષ્ઠિત અને દેશભક્ત સમુદાયને કલંકિત કરી શકે છે. તેમણે શીખ ગુરુઓ પ્રત્યે પણ સંપૂર્ણ અનાદર દર્શાવ્યો છે જેમણે તેમની ભારત માતા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.”

ઇન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એસોસિએશન યુકે (INSA)એ આ ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી આ ઘટનાને આપણા સાર્વભૌમત્વ અને ગૌરવ પરના હુમલા તરીકે વખોડી કાઢી જણાવ્યું હતું કે ‘’હિંસાનું આ કૃત્ય આપણા રાજદ્વારીઓ અને કર્મચારીઓને જોખમમાં મૂકે છે. ભારતના હાઈ કમિશન (લંડન)માં તોડફોડ થતી જોઈને દુઃખ થાય છે. અહીં વિભાજન અને તણાવ પેદા કરવાના પ્રયાસો કામ કરશે નહીં. બ્રિટિશ સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમામ રાજદ્વારીઓ, કર્મચારીઓ અને મિશન સુરક્ષિત રહે.”

શ્રી ગુરુ રવિદાસ સભા બેડફર્ડના પ્રમુખ જસવિન્દર કુમાર અને રામગઢિયા શીખ સોસાયટી બેડફર્ડના વાઇસ પ્રેસિડેન્ટ ગુરમેલ સિંઘે પણ આ હુમલાની નિંદા કરી હતી.

LEAVE A REPLY