ભારત તેના સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે તમામ પગલાં લેશે: હાઇ કમિશ્નર

0
507

ગયા વર્ષે લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર બ્રિટિશ પાકિસ્તાનીઓ, કાશ્મીરીઓ અને ખાલિસ્તાન તરફી બ્રિટિશ શીખો દ્વારા આયોજિત વિરોધને લક્ષમાં લેતા નવા ભારતીય હાઇ કમિશ્નર ગાયત્રી ઇસર કુમારે ભારત તેના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે તમામ પગલાં લેશે તેમ જણાવ્યું છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’ભારતમાં 90ના દાયકાની શરૂઆતમાં વ્યાપેલા ખાલિસ્તાની આતંકવાદ અને ‘આંદોલન’ને સફળતાપૂર્વક જડમૂળથી દૂર કરવા પંજાબના લોકો અને ભારત સરકારે વર્ષોથી સાથે મળીને કામ કર્યું છે. અમને ખ્યાલ છે કે ભાગીને આવેલા લોકો ખાલિસ્તાની આંદોલન સાથે જોડાયેલા છે અને આ લોકો યુકે અને અન્ય પશ્ચિમી દેશોમાં તેમની પ્રવૃત્તિ ચાલુ રાખે છે. તેઓ જમ્મુ-કાશ્મીર અને ભારતના અન્ય ભાગોમાં અસ્થિરતા પેદા કરવા માટે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ સાથે ઘનિષ્ઠ સહયોગથી કાર્ય કરે છે.’’

આપણી સુરક્ષા અને સંરક્ષણ હિતો સંબંધિત વિવિધ ક્ષેત્રો પર યુકે સરકાર સાથે નિયમિત વાતચીત અને મજબૂત સહયોગ આપણી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે અને અમારી સરકાર પાસે સંખ્યાબંધ સંસ્થાકીય પદ્ધતિઓ છે. યુએસ ખાતે મુખ્ય મથક ધરાવતા ‘સિખ ફોર જસ્ટિસ’ દ્વારા કહેવાતા ‘પંજાબ લોકમત 2020’ વિશે દબાણ કરાઇ રહ્યું છે ત્યારે દિલ્હી સ્થિત બ્રિટીશ હાઈ કમિશને “આ ભારત સરકાર અને લોકો માટેનો મુદ્દો છે અને ભારતીય પંજાબ ભારતનો ભાગ છે’’ તેમ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ‘’અમે ખલિસ્તાન મુદ્દે યુકેની સરકારે લીધેલા પગલાની પ્રશંસા કરીએ છીએ. ‘શિખ્સ ફોર જસ્ટિસ’ની વાત કરીએ તો, તેના ટેકેદારો ગંભીર આતંકથી સંબંધિત અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં આ સંસ્થાની સંડોવણી વિશે જાગૃત હોવા જોઈએ અને તેમાંના ઘણાં લોકો ભારતમાં વોન્ટેડ છે. અમારી સરકારે યુકેમાં આતંકવાદી એન્ટિટી ‘શીખ્સ ફોર જસ્ટિસ’ના સત્તાવાર રીતે બેન કરવાની માંગ કરી છે. આ સંસ્થાને ભારતમાં ક્યારેય સમર્થન નહોતુ અને વિદેશમાં પણ શીખોનો વર્ચ્યુઅલ ટેકો નથી. ભારત તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની સુરક્ષા માટે તેના નિકાલ પર તમામ પગલાં લેશે. મને વિશ્વાસ છે કે ભારતીય સંસદની જેમ અહીં પણ પૂરતા પ્રમાણમાં તપાસ અને બેલેન્સ છે.’’

ગયા વર્ષે, યુકે સ્થિત ખાલિસ્તાની આતંકવાદી તત્વોએ ભારતીય રાષ્ટ્રધ્વજને ભારતીય હાઈ કમિશનની સામે સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં જ પ્રકાશમાં આવ્યું છે કે લેબર સાંસદ ડેબી અબ્રાહમ્સની અધ્યક્ષતામાં ઓલ-પાર્ટી સંસદીય કાશ્મીર જૂથે પાકિસ્તાન અને પી.ઓ.કે. પ્રવાસ માટે પાકિસ્તાન સરકાર પાસેથી 30 લાખ રૂપિયા મેળવ્યા હતા. બીજી તરફ લેબરના નવા નેતા કેર સ્ટાર્મર કહ્યું હતું કે “ભારતનો કોઈપણ બંધારણીય મુદ્દો ભારતીય સંસદ માટેનો મુદ્દો છે, અને કાશ્મીર ભારત અને પાકિસ્તાન માટે શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાનો દ્વિપક્ષીય મુદ્દો છે.”

ગાયત્રી ઇસર – કુમારે જણાવ્યું હતું કે ‘’ભારતીય હાઇ કમિશને સુનિશ્ચિત કર્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીરની વાસ્તવિક પરિસ્થિતિની સંપૂર્ણ અને સાચી તસવીર યુકે સરકાર, સંસદસભ્યો અને મિત્રો સાથે શેર કરવી. અમને લાગે છે કે વાસ્તવિક પરિસ્થિતિની સારી પ્રશંસા થઈ છે. અમે લેબર લીડર સર કેર સ્ટાર્મરના દ્વારા તાજેતરના સકારાત્મક નિવેદનોને આવકારીએ છીએ. હું અહીં લેબર પાર્ટીમાં જેમને પણ મળી તે સૌ તરફથી ખૂબ જ મૈત્રીપૂર્ણ અને સકારાત્મક સંકેતો મળ્યા છે, જે મને આશાવાદી બનાવે છે.’’

તેમણે ભારત અને યુકે વચ્ચે ચાલી રહેલી કોરોનાવાયરસ વેક્સીનની મહત્વપૂર્ણ ભાગીદારી, તેના ઉત્પાદન, ગેવી સંસ્થા વગેરે અંગે માહિતી આપી હતી.