ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે અવલોકન કર્યું છે કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠાની દે-વિદેશમાં યોજાનારી ઉજવણીના સંદર્ભમાં, કેટલાક અપ્રમાણિત, ઉશ્કેરણીજનક અને બનાવટી સંદેશા ફેલાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, જે સાંપ્રદાયિક સુમેળ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મંત્રાલયે 20 જાન્યુઆરીના રોજ, એક એડવાઇઝરી જાહેર કરી છે કે, અખબારો, ટેલિવિઝન ચેનલો, ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એવી કોઈપણ સામગ્રી પ્રકાશિત કરવા અથવા પ્રસારિત કરવાથી દૂર રહે જે ખોટી અથવા ચાલાકીવાળી હોઈ શકે છે અથવા દેશમાં સાંપ્રદાયિક સુમેળ અથવા જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાની સંભાવના ધરાવે છે. આ ઉપરાંત, તેમની યોગ્ય જવાબદારીઓના ભાગરૂપે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ઉપર જણાવેલ પ્રકૃતિની માહિતીને હોસ્ટ, પ્રદર્શિત અથવા પ્રકાશિત ન કરવા માટે વાજબી પ્રયત્નો કરવાની સલાહ આપવામાં આવી છે.