ભારત સરકારે તાજેતરમાં નેશનલ ટર્મેરિક બોર્ડ (રાષ્ટ્રીય હળદર બોર્ડ)ની રચના કરી હતી. રસોઈથી લઈને ઔષધીય ઉપયોગોમાં ખૂબ જ માગ ધરાવતી એવી હળદરનું ઉત્પાદન વધારવા અને પ્રોત્સાહન આપવાના હેતુથી આ બોર્ડની રચના કરવામાં આવી છે. આ સાથે જ 2030 સુધીમાં હળદરની નિકાસ એક બિલિયન ડોલર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અત્યારે દેશમાંથી રૂ. 1600 કરોડની હળદરની નિકાસ થાય છે. વૈશ્વિક હળદર બજારમાં ભારતનો 62 ટકાથી વધુ હિસ્સો છે.
ભારત સરકારે બુધવારે નેશનલ ટર્મેરિક બોર્ડની રચનાનું નોટિફિકેશન જાહેર કર્યું હતું. વાણિજ્ય મંત્રાલયે કહ્યું હતું કે બોર્ડની રચના સાથે નિર્ધારિત કામ થશે જેને પગલે 2030 સુધીમાં હળદરની એક બિલિયન ડોલરની નિકાસ થશે તેવો અંદાજ છે. દેશમાં હળદરનું ઉત્પાદન વધે અને ટર્મેરિક પ્રોડક્ટ્સનો ગ્રોથ વધે તે માટે આ બોર્ડ કામ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગણામાં ગત મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હળદર બોર્ડની રચના કરાશે.
રાષ્ટ્રીય હળદર બોર્ડમાં એક ચેરપર્સન રહેશે જેની નિમણૂક કેન્દ્ર સરકાર કરશે. તેના સભ્યોમાં આયુષ મંત્રાલય, ફાર્માસ્યુટિકલ વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, વાણિજ્ય અને ઉદ્યોગ જેવા કેન્દ્રીય મંત્રાલયોના સભ્યો રહેશે તથા ત્રણ-ત્રણ રાજ્યો સરકારોના પ્રતિનિધિઓ રોટેશન મુજબ તેમાં સભ્ય તરીકે રહેશે. આ ઉપરાંત હળદર અંગે સંશોધન કરતા પસંદગીના ઈન્સ્ટિટ્યૂશન્સ, હળધરની ખેતી કરતા ખેડૂતો અને નિકાસકારોને તેમાં સ્થાન અપાશે. બોર્ડમાં એક સેક્રેટરી પણ રહેશે જેની નિમણૂક વાણિજ્ય વિભાગ કરશે.
ભારતમાં 20થી વધુ રાજ્યોમાં અલગ-અલગ 30 પ્રકારની હળદરની ખેતી થાય છે. મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક અને તમિલનાડુમાં હળદરની સૌથી વધુ ખેતી થાય છે. વર્ષ 2022-23માં દેશમાં 1.534 લાખ ટન હળદર અને તેને સંબંધિત પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં આવી હતી, જેનું મૂલ્ય 20.74 કરોડ ડોલર હતું. 380થી વધુ નિકાસકારોએ આ નિકાસ કરી હતી. ભારતની હળદરની સૌથી વધુ બાંગ્લાદેશ, યુએઈ, અમેરિકા અને મલેશિયા ખાતે નિકાસ થાય છે. 2022-23માં 3.24 લાખ હેક્ટર જમીનમાં હળદરની ખેતી થઈ હતી અને 11.61 લાખ ટન ઉત્પાદન થયું હતું, જે વિશ્વના કુલ ઉત્પાદનના 75 ટકા હતું.
કેન્દ્રીય પ્રધાન કિશન રેડ્ડીએ કહ્યું હતું કે તેલંગણાના ખેડૂતો હળદર માટે અલગ બોર્ડ રચવાની ઘણા સમયથી માગ કરી રહ્યા હોવાથી તેમની માગણી પણ પૂરી થઈ છે. તેમણે કહ્યું કે માત્ર તેલંગણા જ નહીં, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, મિઝોરમ, આસામ, ગુજરાત, ઓડિશા અને પશ્ચિમ બંગાળના ખેડૂતોને પણ તેનો ફાયદો થશે.