કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઊંચા વ્યાજ વસૂલ કરતી ચાઇનીઝ લોન એપ્સ સામે તાત્કાલિક કડક પગલા લેવાની રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કાયદા અમલીકરણ એજન્સીઓને તાકીદ કરી છે. આવી ચીની-નિયંત્રિત લોન એપ્સ દ્વારા થતી હેરાનગતિ, બ્લેકમેલિંગ અને આકરી વસૂલાત કારણે આત્મહત્યાની અનેક ઘટનાઓ પછી ગૃહ મંત્રાલયે આ આદેશ જારી કર્યો છે.
તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલી સૂચનામાં ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે આ મુદ્દાએ રાષ્ટ્રીય સુરક્ષા, અર્થતંત્ર અને નાગરિકોની સલામતી પર ગંભીર અસર કરી છે.
ગેરકાયદેસર ડિજિટલ ધિરાણ એપ્લિકેશનો અંગે સમગ્ર ભારતમાં મોટી સંખ્યામાં ફરિયાદો નોંધવામાં આવી છે. આવી લોન એપ્સ ઊંચા વ્યાજદરે છુપા ચાર્જ સાથે ટૂંકા ગાળાની લોન અથવા માઇક્રો-ક્રેડિટ ઓફર કરે છે. આવી એપ્સ ખાસ કરીને નબળા અને ઓછી આવક ધરાવતા લોકોને શિકાર બનાવે છે. ધિરાણકર્તાઓ બ્લેકમેલિંગ અને હેરાનગતિ માટે ગોપનીય અંગત ડેટાનો ઉપયોગ કરે છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે “આ ગેરકાયદેસર ફાઇનાન્સ એપ્લિકેશન્સ દ્વારા અનુસરવામાં આવતી આકરી વસૂલાત પદ્ધતિઓથી સમગ્ર ભારતમાં ઘણા લોકોના જીવ ગયા છે. આ મુદ્દાએ રાષ્ટ્રીય સુરક્ષા, અર્થતંત્ર અને નાગરિકોની સલામતી પર ગંભીર અસર કરી છે.”
મંત્રાલયે જણાવ્યું છે કે આ ગેરકાયદેસર લોન એપ્લિકેશન્સ મોટા પાયે બલ્ક એસએમએસ, ડિજિટલ જાહેરાત, ચેટ મેસેન્જર્સ અને મોબાઇલ એપ્લિકેશન સ્ટોર્સનો ઉપયોગ કરી રહી છે. લોન લેવા માગતા લોકોએ ફરજિયાત કોન્ટેક, લોકેશન અને ફોન સ્ટોરેજનો એક્સેસ આપવો પડે છે. આ ડેટાનો દુરુપયોગ ભારતમાં સ્થિત રિકવરી એજન્ટો દ્વારા મોર્ફ કરેલી છબીઓ અને અન્ય અપમાનજનક પ્રથાઓનો ઉપયોગ કરીને નાગરિકોને હેરાન કરવા અને બ્લેકમેલ કરવા માટે કરવામાં આવે છે. રિકવરી એજન્ટો RBIના ફેર પ્રેક્ટિસ કોડનું ઉલ્લંઘન કરે છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે કાયદા અમલીકરણ એજન્સીઓ લોન એપ્લિકેશન વિશ્લેષણ, માલવેર વિશ્લેષણ, ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ટ્રેસિંગ અને ટેકનિકલ સહાય માટે ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરની સેવાઓનો લાભ લઈ શકે છે.