ભારત સરકારે ડુંગળી અને ઘઉંના નિરંકુશ ભાવ પર લગામ મૂકવા માટે મહત્વનાં નિર્ણય કર્યા છે. સરકારે સ્થાનિક બજારમાં ઉપલબ્ધતામાં વધારો કરીને ભાવને અંકુશમાં લાવવા માટે માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ડુંગળીના ભાવ પ્રતિ કિગ્રા 70થી 80ના ઊંચા સ્તરે પહોંચ્યા પછી સરકારે આ મહત્ત્વનો નિર્ણય કર્યો હતો.

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા તાજેતરમાં એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, ડુંગળીની નિકાસ નીતિમાં 31 માર્ચ, 2024 સુધી સુધારો કરાયો છે. અગાઉ કેન્દ્રએ ઓક્ટોબરમાં ગ્રાહકોને રાહત આપવા માટે છૂટક બજારોમાં રૂ. 25 પ્રતિ કિલોના સબસિડીવાળા દરે ડુંગળીના બફર સ્ટોકનું વેચાણ વધારવાનો નિર્ણય લીધો હતો. કિંમતોને અંકુશમાં રાખવા માટે સરકારે અગાઉ અનેક પગલાં લીધાં છે છતાં છેલ્લાં કેટલાંક સમયથી ડુંગળીનો ભાવ કિલોએ રૂ. 80થી નીચે નથી ઉતરતો. સરકારે 28 ઓક્ટોબરે 31 ડિસેમ્બર સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિ ટન 800 ડોલરનો લઘુત્તમ નિકાસ ભાવ (MEP) લાદ્યો હતો. ઓગસ્ટમાં ભારતે 31 ડિસેમ્બર સુધી ડુંગળી પર 40 ટકા નિકાસ જકાત લાદી હતી.
જોકે ડીજીએફટીએ જણાવ્યું હતું કે, જો કોઇ દેશ વિનંતી કરે અને ભારત સરકાર મંજૂરી આપે તો ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી શકે છે. આ જાહેરનામાં પહેલા નિકાસ માટે લોડિંગ થઈ ગયું છે, તેવા શિપમેન્ટની નિકાસને મંજૂરી મળશે.

વધુમાં શિપિંગ બિલ ફાઇલ કરવામાં આવ્યાં છે અને ડુંગળીના લોડિંગ માટે ભારતીય બંદરોમાં જહાજો પહેલેથી જ આવી ગયા છે અને તેમને રોટેશન નંબર ફાળવવામાં આવ્યો છે તેવા શિપમેન્ટને નિકાસ માટે પણ મંજૂરી આપવામાં આવે છે. આ ઉપરાંત આ જાહેરનામા પહેલા કન્સાઇનમેન્ટ્સ કસ્ટમને સુપરત કરાયા હોત અને નિકાસ માટે કસ્ટમ સ્ટેશનમાં ડુંગળીના કન્સાઇનમેન્ટને એન્ટર કરાયા હોય તેવા કિસ્સામાં પણ પ્રતિબંધમાં મુક્તિ મળશે. આવા માલસામાન માટે નિકાસનો સમયગાળો આવતા વર્ષે 5 જાન્યુઆરી સુધીનો રહેશે.

વર્તમાન નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 4 ઓગસ્ટની વચ્ચે ભારતે 9.75 લાખ ટન ડુંગળીની નિકાસ કરી હતી. મૂલ્યની દ્રષ્ટિએ ટોચના ત્રણ આયાત કરનારા દેશો બાંગ્લાદેશ, મલેશિયા અને UAE છે. ચાલુ ખરીફ સિઝનમાં ડુંગળીના વાવેતરમાં વિલંબના અહેવાલો વચ્ચે ડુંગળીના ભાવમાં વધારો થવા લાગ્યો છે. ડુંગળી રાજકીય રીતે સંવેદનશીલ કોમોડિટી છે.

LEAVE A REPLY