ભારતના નાગરિકો અને કંપનીઓ દ્વારા સ્વિસ બેન્કમાં મૂકવામાં આવતું ભંડોળ ૨૦૨૩માં ૭૦ ટકા ગબડી 4 વર્ષના તળિયે આવી ગયું હતું. સ્થાનિક શાખાઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા સ્વિસ બેન્કમાં કરાતું ભારતીયોનું ભંડોળ ગયા વર્ષે રૂ.૯,૭૭૧ કરોડ (૧.૦૪ બિલિયન સ્વિસ ફ્રેંક) હતું, એમ સ્વિટ્ઝર્લૅન્ડની સેન્ટ્રલ બેંકના વાર્ષિક ડેટામાં ગુરુવારે જણાવાયું હતું.
સ્વિસ બેન્કના ભારતીય ગ્રાહકોના કુલ ભંડોળમાં સતત બીજા વર્ષે ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૧માં તે ૩.૮૩ અબજ સ્વિસ ફ્રેન્કની ૧૪ વર્ષની ઊંચાઇએ પહોંચ્યું હતું. ખાસ કરીને બોન્ડ્સ, સિક્યોરિટીઝ અને અન્ય નાણાકીય ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં કરાયેલા રોકાણમાં તીવ્ર ઘટાડાને કારણે ભારતીયોના સ્વિસ બેન્કના ભંડોળમાં ઘટાડો નોંધાયો છે. ડેટા દર્શાવે છે કે, ગ્રાહકોના ડિપોઝિટ એકાઉન્ટની રકમ તેમજ ભારતની અન્ય શાખાઓમાં રહેલું ભંડોળ નોંધપાત્ર ઘટ્યું છે.
આ ડેટા વિવિધ બેન્કોએ સ્વિસ નેશનલ બેન્ક (એસએનબી)ને આપેલા સત્તાવાર ડેટા છે અને તે ભારતીયો દ્વારા સ્વિસ બેન્કમાં જમા કરાવવામાં આવેલા કથિત કાળા નાણાંના પ્રમાણનો સંકેત આપતા નથી. આ ભંડોળમાં ભારતીયો, એનઆરઆઇ કે અન્ય દ્વારા ભારત સિવાયના દેશના નામે સ્વિસ બેન્કમાં જમા કરવામાં આવેલા નાણાંનો પણ સમાવેશ થતો નથી.
એસએનબીના ડેટા મુજબ સ્વિસ બેન્કની ભારતીય ગ્રાહકો પ્રત્યેની કુલ જવાબદારી ૨૦૨૩માં ૧,૦૩.૯૮ કરોડ સ્વિસ ફ્રેન્ક છે. જેમાં ગ્રાહકોની થાપણો ૩૧ કરોડ સ્વિસ ફ્રેન્ક (૨૦૨૨ના અંતે ૩૯.૪ કરોડ સ્વિસ ફ્રેન્ક હતી), અન્ય બેન્કોમાં જમા કરાયેલી રકમ ૪૨.૭ કરોડ સ્વિસ ફ્રેન્ક (અગાઉ ૧૧૧ કરોડ સ્વિસ ફ્રેન્ક) તેમજ ટ્રસ્ટ અને અન્ય એન્ટિટીની રકમ એક કરોડ સ્વિસ ફ્રેન્ક (અગાઉ ૨.૪ કરોડ સ્વિસ ફ્રેન્ક) છે. ખાસ કરીને ભારતીય ગ્રાહકોનું બોન્ડ્સ સિક્યોરિટીઝ અને અન્ય નાણાકીય ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ ૩૦.૨ કરોડ સ્વિસ ફ્રેન્ક (અગાઉ ૧૮૯.૬ કરોડ સ્વિસ ફ્રેન્ક) નોંધાયું છે. ૨૦૦૬માં ભારતીયોનું સ્વિસ બેન્કમાં ભંડોળ ૬.૫ અબજ સ્વિસ ફ્રેન્કની રેકોર્ડ ઊંચાઇએ પહોંચ્યું હતું.