કોરોનાકાળથી સાઉથ ઇન્ડિયન ફિલ્મો અને બોલિવૂડ વચ્ચેની સ્પર્ધા અંગે વારંવાર ચર્ચા થતી રહે છે. બંને ઈન્ડસ્ટ્રીના ડાયરેક્ટર-પ્રોડ્યુસરથી લઇને કલાકારોની પણ તુલના કરવામાં આવે છે. બાહુબલિની અણધારી સફળતાએ સાઉથની ઈન્ડસ્ટ્રીને દેશભરમાં બહોળો ચાહક વર્ગ આપ્યો હતો. ત્યારબાદ કેજીએફ, પુષ્પા, RRR અને સાલાર જેવી ફિલ્મોએ કઈ ઈન્ડસ્ટ્રી ચડિયાતી છે તે અંગેની ચર્ચાને વેગ આપ્યો હતો.
દર્શકોની બદલાયેલી પસંદગીને જોતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાયો છે અને પાછલા કેટલાક સમયથી પાન ઈન્ડિયા ફિલ્મોનો જમાનો આવ્યો છે. સાઉથની ફિલ્મ તરીકે ઓળખાતી ‘પુષ્પા’માં લીડ રોલ કરનારી રશ્મિકાએ રણબીર કપૂર સાથે ‘એનિમલ’માં પણ કામ કર્યું છે. સાઉથની ઈન્ડસ્ટ્રીમાં હિટ રહેલી રશ્મિકા હવે બોલિવૂડમાં પણ લોકપ્રિય છે. પોતાની આ સફળતા અંગે વાત કરતાં રશ્મિકાએ જણાવ્યુ હતું કે, સાઉથ અને બોલિવૂડ જેવા પ્રાંતવાદ હવે દૂર થઈ રહ્યો છે. ઈન્ડિયન ફિલ્મોનો જમાનો આવી ગયો છે અને આ પરિવર્તનની પોતે સાક્ષી બની હોવા બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો.
રશ્મિકાએ તાજેતરમાં તેની કરિયરની 22મી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. રશ્મિકા મંદાનાની કરિયરમાં અથ્યારે સૌથી વધુ વ્યસ્ત તબક્કો ચાલી રહ્યો છે. ડિસેમ્બરમાં આવેલી ‘એનિમલ’ બ્લોકબસ્ટર રહી હતી અને હવે ઓગસ્ટ મહિનામાં ‘પુષ્પા 2’ આવી રહી છે. રશ્મિકાએ જણાવ્યું હતું કે, આ મુકામ પર પહોંચવા માટે તેણે 22 ફિલ્મો કરી છે. આ સફર ખૂબ લાંબી અને આકરી મહેનત માગી લે તેવી હતી. આ તબક્કે ખૂબ રાહત અને આત્મવિશ્વાસનો અનુભવ થાય છે. મોટા બેનરની ફિલ્મો સાથે શ્રેષ્ઠ ટીમ સાથે કામ કરવાની તક મળી રહી છે.
27 વર્ષીય રશ્મિકા મંદાનાની નવી ફિલ્મ ‘પુષ્પા 2’ છે, જે 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે. રશ્મિકાએ જણાવ્યુ હતું કે, ‘પુષ્પા 2’ માટે 50 દિવસથી વધુનું શૂટિંગ કર્યું છે અને દર્શકોને અગાઉ કરતાં વધારે ભવ્ય અને મનોરંજક ફિલ્મ જોવા મળશે. ફિલ્મમાં અનેક બારીક પાસાનું ધ્યાન રખાયું છે અને દરેક કેરેક્ટરને નિખારવાની તકેદારી લેવાઈ છે.
રશ્મિકા મંદાનાએ સાઉથ અને હિન્દીમાં સરખી સફળતા મેળવી છે. પાછલા કેટલાક સમયથી હિન્દી ફિલ્મો સાઉથના માર્કેટમાં રિલીઝ થાય છે, જ્યારે સાઉથની ફિલ્મો હિન્દી દર્શકો ખુશીથી નિહાળે છે. બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કામ કરવાની પદ્ધતિથી લઇને ફિલ્મની સ્ટોરી અને કેરેક્ટર્સમાં પણ મોટો તફાવત હોય છે.