ડાર્ક વેબ પર ફાર્માસ્યુટિકલ દવાઓ વેચવા માટે વેસ્ટ લંડનમાં વિશાળ પાયા પર ડ્રગ્સ ફેક્ટરી ચલાવનાર કાર્માલાઇટ રોડ, હેરોના 40 વર્ષીય કૃણાલ પટેલ, નોર્થવુડના હિલીયાર્ડ રોડના 39 વર્ષીય રોશન વેલેન્ટાઇન અને કેનસ્ટન વુડ, હેરોના એલન વેલેન્ટાઇન, (ઉ.વ. 62)ને આઇલવર્થ ક્રાઉન કોર્ટે ક્લાસ સી ડ્રગ્સ સપ્લાય અને મની લોન્ડરિંગના ષડયંત્ર સહિતના આઠ ગુનામાં દોષિત ઠરાવ્યા છે જેમને નિર્ધારિત તારીખે સજા કરાશે.
એલને પોતે ડૉક્ટર હોવાનું અને ફાર્મસીની લાયકાત ધરાવતા હોવાનું કહ્યું હતું. તેમણે બેન્ઝોડિયાઝેપાઈન્સ નામની સેડેક્ટીવ ગણાતી ક્લાસ C ડ્રગનું ઉત્પાદન અને વેચાણ કરીને £3.5 મિલિયનની કમાણી કરી હતી.
આ ત્રણેય જણાએ ડાર્ક વેબ પરના ઘણાબધા બજારોમાં ક્રિપ્ટોકરન્સીના બદલામાં Xanax, Diazepam અને Valiumના વેચાણની જાહેરાત કરી હતી અને ઓર્ડર મળતા દવાઓ પોસ્ટ કરી હતી.
ડિટેક્ટિવ્સે એક્ટન બિઝનેસ પાર્ક ખાતે આવેલા વેરહાઉસ યુનિટ નજીકથી કૃણાલ પટેલની ધરપકડ કરી તપાસ કરતા “Xanax” અને “Teva” છાપેલી ગોળીઓ ધરાવતા 15 પાર્સલ અને યુકેના સરનામાં ધરાવતા લેબલ મળ્યા હતા. તે જ દિવસે પાછળથી રોશન અને એલન વેલેન્ટાઈનની ધરપકડ કરાઇ હતી.
અધિકારીઓએ વેરહાઉસની તપાસ કરી છુપાવેલી લેબોરેટરી, સાધનસામગ્રી અને રાસાયણિક પદાર્થોના ઘણા કન્ટેનર અને ગોળીઓના અસંખ્ય ક્રેટ્સ કબ્જે કર્યા હતા. તે ગોળીઓનું પૃથ્થકરણ કરતાં તેમાં ડેસ્ક્લોરોએટીઝોલમ, ફ્લુબ્રોમાઝેપામ, બ્રોમાઝોલમ અને ફ્લુઅલપ્રાઝોલમ સહિત બેન્ઝોડિયાઝેપિન જૂથની ક્લાસ C ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું.
ત્રણેય જણા પઝલ લોજિસ્ટિક્સ લિમિટેડ નામની કંપનીની આડમાં દવાઓનું ઉત્પાદન, પેકેજિંગ અને સપ્લાય કરતા હોવાનું જણાયું હતું. તેઓ રોજ યુનિટની મુલાકાત લેતા અને આખો દિવસ ત્યાં જ રહેતા હતા. કૃણાલ પટેલ વારંવાર મોટી બેગ લઈને નીકળી જતો અને 10 થી 15 મિનિટ પછી પરત થતો હતો. તેમણે ક્રિપ્ટોકરન્સીમાંથી £3.5 મિલિયનને ફિયાટ કરન્સી (સ્ટર્લિંગ)માં રૂપાંતરિત કર્યા હતા જે ખાતા પોલીસે સીલ કરી દીધા છે.