ભારતની માલસામાનની નિકાસમાં બે મહિના બાદ ફેબ્રુઆરીમાં ઘટાડો થયો હતો. ફેબ્રુઆરી મહિનામાં દેશમાંથી માલસામાનની કુલ નિકાસ વાર્ષિક ધોરણે 0.25 ટકા ઘટીને 27.67 બિલિયન ડોલર થઈ હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 27.74 બિલિયન ડોલર હતી, એમ વેપાર અને વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું. જાન્યુઆરી 2021માં ભારતની નિકાસમાં 6.16 ટકા અને ડિસેમ્બર 2020માં 0.14 ટકા વધારો થયો હતો.
ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં આયાત 6.98 ટકા વધીને 40.55 બિલિયન ડોલર થઈ હતી. આમ નિકાસમાં ઘટાડાની સામે આયાત ઝડપથી વધતા ભારતની વેપાર ખાધમાં વધારો થયો હતો. ફેબ્રઆરીમાં ભારતની વેપાર ખાધ 12.88 બિલિયન ડોલર નોંધાઇ હતી. આની સામે ગયા વર્ષના સમાન મહિનામાં દેશની વેપારખાધ 10.16 બિલિયન ડોલર નોંધાઇ હતી. ગયા જાન્યુઆરીમાં ભારતની વેપાર ખાધ 14.54 બિલિયન ડોલર હતી. આ સાથે ચાલુ નણાકીય વર્ષ 2020-21 દરમિયાન એપ્રિલથી ફેબ્રુઆરીના 11 મહિનામાં દેશની કુલ નિકાસ 12.32 ટકા ઘટીને 255.92 બિલિયન ડોલર થઈ હતી,. જ્યારે કુલ આયાત 23 ઘટીને 291.87 બિલિયન ડોલર રહી હતી.
ફેબ્રુઆરી મહિનામાં દેશમાં ક્રૂડ ઓઇલની આયાત વાર્ષિક ધોરણે 16.63 ટકા ઘટીને 8.99 બિલિયન ડોલર થઇ હતી. આ સાથે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 11 મહિનામાં દેશમાં ક્રૂડ ઓઇલની આયાત 40.18 ટકા ઘટીને 72.08 બિલિયન ડોલર નોંધાઇ હતી.
ફેબ્રુઆરીમાં ભારતમાં સોનાની આયાત 75 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી. ભારતમાં ફેબ્રુઆરી 2021માં 3 બિલિયન ડોલરની મૂલ્યના સોનાની આયાત થઇ હતી, જે નવેમ્બર 2014 પછીની સૌથી વધુ આયાત છે. આયાત વધવાનું કારણ ભારત સરકાર દ્વારા સોના અને ચાંદીની આયાત જકાતમાં ધરખમ ઘટાડો છે. બજેટમાં સરકારે સોના અને ચાંદીની આયાત 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ફેબ્રુઆરીમાં મોટાભાગની કોમોડિટીની નિકાસમાં નકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે.