ઇન્ડિયન હાઈ કમિશનરને સ્કોટલેન્ડના ગ્લાસગોના એક ગુરુદ્વારામાં જતા અટકાવવામાં આવતા વિવાદ થયો હતો. આ ઘટનાની ભારતીયોએ નિંદા કરી હતી. ગુરુદ્વારામાં ઇન્ડિયન હાઈ કમિશ્નર વિવેક દોરાઇસ્વામી સાથે ગેરવર્તનનો મુદ્દો સત્તાધિશો સામે ઉઠાવવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું કે, શનિવારે હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને કેટલાક કટ્ટરવાદીઓએ ગુરુદ્વારામાં જતા અટકાવ્યા હતા. તેમની સાથે દલીલ કરવાને બદલે હાઈ કમિશનરે ત્યાંથી જતા રહેવાનું મુનાસિબ માન્યું હતું. આ મુદ્દો બ્રિટિશ વિદેશ મંત્રાલય અને પોલીસ સામે ઉઠાવવામાં આવ્યો હતો.

ભાજપના નેતા મનજિંદર સિંઘ સિરસાએ પણ આ ઘટનાની કડક શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ ધર્મ અથવા સમુદાયનો વ્યક્તિ ગુરુદ્વારામાં પ્રવેશ કરી શકે છે. આપણો ધર્મ હિંસા કરવાનું નથી શીખવાડતો પરંતુ આપણે એ લોકો છીએ જે માનવતાની રક્ષા કરે છે. ગુરુદ્વારા ભગવાનનું ઘર છે. અહીં કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરી શકાય. આ જ કારણથી તેમાં ચાર દરવાજા હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી ગ્લાસગો ગુરુદ્વારાની કમિટી સાથે મીટિંગ કરવા માટે ત્યાં ગયા હતા. આ દરમિયાન એક ખાલિસ્તાન સમર્થકે કહ્યું હતું કે, મને નથી લાગતું કે ગુરુદ્વારા કમિટી જે કંઈ પણ થયું તેનાથી બહુ ખુશ છે. પરંતુ યુકેના કોઈપણ ગુરુદ્વારામાં ભારતીય અધિકારીઓનું સ્વાગત કરાશે નહીં.

LEAVE A REPLY