અમેરિકામાં ભારતીય મૂળના એક એન્જિનિયર પર નાના ઉદ્યોગોને મદદ કરવા માટે બનાવવામાં આવેલા કોરોના વાઇરસ રાહત કાર્યક્રમ હેઠળ છેતરપિંડી કરીને ૧૦ મિલિયન ડૉલરથી વધુની લોન મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ૩૦ વર્ષીય શશાંક રાયે સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એસબીએ) દ્વારા કોરોના વાઇરસ સહાય, રાહત અને આર્થિક સુરક્ષા ઍક્ટ હેઠળ બે જુદી જુદી બૅંકો પાસેથી ૨૫૦ કર્મચારીઓને તે વેતન આપી રહ્યો છે એવો દાવો કરીને લાખો ડૉલરનો લોનમાફીનો દાવો કર્યો હતો, જ્યારે હકીકતમાં એક પણ કર્મચારી તેના કથિત વ્યવસાયમાં કામ કરતો નહતો.
ટેક્સાસમાં રહેતા રાય પર બૅંકની સાથે છેતરપિંડી, નાણાકીય સંસ્થાઓને ખોટા નિવેદનો આપવા અને એસબીએને ખોટા નિવેદનો આપવાનો આરોપ છે. યુએસના ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના એટર્ની જનરલ જોસેફ બ્રાઉને રાયની વર્તણૂંક અંગે જણાવ્યું હતું કે જે લોકો લોન અથવા અન્ય સહાય માટે અરજી કરે છે તેમણે સમજવું જોઇએ કે ત્યાં રજૂઆતોની તપાસ કરતા લોકો છે, એમ તેમણે જણાવ્યું હતું.

 

હેકર્સે ટ્રમ્પ સહિતના અગ્રણીઓનો ડેટા હેક કરી ખંડણી માગી

સંગીત ક્ષેત્રના સેલિબ્રિટીના એકાઉન્ટ ધરાવતી પેઢી ‘ગૂ્રબમાન શાયર મિસલ્સ એન્ડ શેક્સ’નો ડેટા હેકર્સે હેક કરી લીધો છે. આ જગવિખ્યાત કાયદાકીય પેઢી છે અને તેની પાસે લેડી ગાગા, રોબર્ટ ડી નિરો, એલ્ટન જોન, નીકિ મીનાઝ, પ્રિયંકા ચોપરા, મેડોના સહિતના અનેક સેલિબ્રિટીના એકાઉન્ટ છે. હેકર્સે ડેટા સહી-સલામત પરત આપવા માટે ૪.૨ કરોડ ડૉલર (અંદાજે ૩૧૮ કરોડ રૂપિયા)ની ખંડણી માંગી છે. જો ખંડણી ન મળે તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પણ ગુપ્ત ફાઈલો જાહેર કરવાની ધમકી આપી છે. ધમકીને ગંભીરતાથી લેવામાં આવે એટલા માટે હેકર્સે લેડી ગાગા સાથે સંકળાયેલા ૨ ગીગાબાઈટ જેટલા ડોક્યુમેન્ટ લીક પણ કરી દીધા છે.
હેકર્સે કુલ ૧૦૦૦ ગીગાબાઈટ જેટલો ડેટા ચોરી લીધો છે. હેકર્સે ૧૪ તારીખે ૨.૧ કરોડ ડૉલર માંગ્યા હતા. એ પછી હવે તેમની ડિમાન્ડ ડબલ કરી દીધી છે. બીજી તરફ ગૂ્રબમાને હજુ સુધી પૈસા આપવા માટે તૈયારી દર્શાવી નથી. હેકર્સે પોતાના સંદેશામાં જણાવ્યું છે કે જો નિર્ધારિત સમયમાં પૈસા નહીં મળે તો ટ્રમ્પની એવી ફાઈલો ખોલી નાખીશું કે એ પ્રમુખ પદે રહેવા લાયક નહીં રહે. લોકો ફરીથી તેને ચૂંટશે પણ નહીં. બીજી તરફ કંપનીએ કહ્યું હતું કે ટ્રમ્પ અમારા ક્લાયન્ટ છે નહીં, ક્યારેય હતા પણ નહીં. તો એની ફાઈલ માટે અમે ક્યાંથી પૈસા આપીએ?
હેકર્સે રોકડા પૈસા નથી માંગ્યા કે નથી ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરવાનું કહ્યું. તેમણે બિટકોઈન અને તેના જેવી ક્રિપ્ટોકરન્સી દ્વારા વળતર માંગ્યુ છે. પરિણામે તેના સુધી આસાનીથી પહોંચી પણ ન શકાય. પ્રમુખને આ હેકિંગમાં સાંકળ્યા પછી હવે અમેરિકી એજન્સી એફબીઆઈ તપાસમાં જોડાઈ છે. બીજી તરફ ટ્વિટર પર આખા જગતને ધમકી આપતા ટ્રમ્પે હજુ સુધી હેકર્સને કશું કહ્યું નથી.