ભારતમાં આર્થિક રિકવરી સંપૂર્ણપણે ચાલુ થઈ નથી અને અર્થતંત્રમાં તબક્કાવાર ધોરણે સુધારો થશે, એમ રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે, 16 સપ્ટેમ્બરે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ‘આરબીઆઇએ પ્રવાહિતાને એકધારી જાળવી રાખી છે જેથી કરીને સરકાર નીચા દરે મોટા પ્રમાણમાં ઋણ લઈ શકે. અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડાવવા જે પણ પગલાં લેવાની જરૂર લાગે એ લેવા આરબીઆઇ હંમેશાં તૈયાર રહી છે. લોન વિશેની સ્કીમ પુન: ઘડતી વખતે ડિપોઝિટરોના હિતોને અને નાણાકીય સ્થિરતાના પરિબળને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું.’
ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી)ની નેશનલ એક્ઝિક્યૂટિવ કમિટીની બેઠકને સંબોધતી વખતે શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ‘નોન બેન્કિંગ ફાઇનાન્સ (એનબીએફસી)ની નાજુક હાલત હજી પણ ચિંતાનો વિષય છે અને નિયમનના સંબંધમાં એ હજી પણ બેન્કોની સમકક્ષ નથી.’ પ્રવાસ ઉદ્યોગની વાત કરતા તેમણે કહ્યું હતું કે ‘પર્યટન ઉદ્યોગ વિકાસની ગાડીનું એન્જિન બની શકે. આ ઉદ્યોગમાં માગ એટલી બધી વધી ગઈ છે કે એને પરિપૂર્ણ કરવાની જરૂર છે.’