ભારત 2030 સુધીમાં જાપાનને વટાવીને એશિયાનું બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બને તેવો અંદાજ છે. આ સમયગાળા સુધી ભારતની જીડીપી જર્મની અને યુકેને વટાવી દેશે અને વિશ્વમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું ઇકોનોમી બનશે, એમ શુક્રવારે IHS માર્કિટના એક અહેવાલમાં જણાવાયું હતું.
હાલમાં ભારત વિશ્વનું છઠ્ઠા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે. વિશ્વના ટોચના પાંચ અર્થતંત્રોમાં યુએસ, ચીન, જાપાન, જર્મની અને યુકેનો સમાવેશ થાય છે. IHS માર્કિટે જણાવ્યું હતું કે ભારતની નોમિનલ જીડીપી 2030 સુધીમાં વધીને 8.4 ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે. હાલમાં દેશની જીડીપીનું કદ આશરે 2.7 ટ્રિલિયન ડોલર છે. અર્થતંત્રના ઝડપી વિકાસને કારણે તે 2030 સુધીમાં જાપાન કરતાં વધુ જીડીપી નોંધાવી શકે છે. તેનાથી ભારત એશિયા પેસિફિકમાં બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે.
2030 સુધીમાં ભારતના ઇકોનોમીનું કદ જર્મની, ફ્રાન્સ અને યુકે સહિતના પશ્ચિમ યુરોપના અર્થતંત્રો કરતાં મોટું થવાનો અંદાજ છે. આગામી એક દાયકમાં વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાં ભારતનું સ્થાન જળવાઈ રહેશે. અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારત માટેનું એક પોઝિટિવ પરિબળ કન્ઝ્યુમર ખર્ચ છે. ગ્રાહકોનો ખર્ચ 2030 સુધીમાં વધીને ત્રણ ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે, જે 2020માં 1.5 ટ્રિલિયન ડોલર હતો. 2021-22ના નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ગ્રોથ 8.2 ટકા રહેવાનો અંદાજ છે.