બોલીવૂડનો જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર ઘણા સમય પછી ફિલ્મ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘રોકી ઔર રાનીકી પ્રેમ કહાની’નું ડાયરેક્શન કરશે. હવે આ ફિલ્મ અંગે નવી માહિતી મળી રહી છે. કહેવાય છે કે કરણે ફિલ્મની કોરિયોગ્રાફીનું કામ ફરાહ ખાનને સોંપ્યું છે, તે ફિલ્મના ગીતો પર કોરિયોગ્રાફી કરશે. તે લગભગ નવ વર્ષ પછી કરણ સાથે કામ કરી રહી છે.
આ અંગે ફરાહ ખાને જણાવ્યું હતું કે, અમે છેલ્લે 2012માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. હું કોરિયોગ્રાફીના ગીતો માટે બહુ ચૂઝી રહી છું. પરંતુ ઘણા સંબંધો ખાસ હોવાથી તેના માટે કામ કરવાની પદ્ધતિઓમાં બાંધછોડ કરવી પડતી હોય છે. કરણ અને મારા સંબંધો વિશેષ છે. તેથી હું ફરી તેની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું. ઉલ્લેખનીય છે કે, ફરાહ ખાને કરણ જોહર સાથે પ્રથમવાર વર્ષ 1998ની સુપરડુપર હિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં કામ કર્યું હતું. ફરાહે આ ફિલ્મના ગીતોની કોરિયોગ્રાફી કરી હતી, જેના ડાન્સ સ્ટેપ્સ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા હતા.