ભારતના પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુએ મંગળવારે જણાવ્યું હતું કે ઇન્ડિયન ડાયસ્પોરા વૈશ્વિક વ્યવસ્થાતંત્રમાં એક મહત્વપૂર્ણ અને અનન્ય પ્રેરકબળ બની ગયું છે.
ઇન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનના સમાપન સત્રને સંબોધતા પ્રેસિડન્ટે સખત મહેનત અને વ્યવહારુ અભિગમ દ્વારા જીવનના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ વિદેશી ભારતીયોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે “ભારતીય ડાયસ્પોરા આજે વૈશ્વિક પ્રણાલીમાં એક મહત્વપૂર્ણ અને અનન્ય બળ બની ગયું છે, તે દરેક ક્ષેત્રમાં એક ઊર્જાસભર અને આત્મવિશ્વાસુ સમુદાય તરીકે વિકસ્યો છે.”
પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે, ભારતીય ડાયસ્પોરાએ અસાધારણ સમર્પણ અને સખત મહેનતનું ઉદાહરણ પુરું પાડ્યું છે તથા કલા, સાહિત્ય, રાજકારણ, વ્યવસાય, શિક્ષણશાસ્ત્ર, પરોપકાર અને વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિત જીવનના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે ઘણા પડકારોને પાર કર્યા છે.
આ પ્રસંગે પ્રેસિડન્ટે ભારતીય ડાયસ્પોરા પસંદગીના સભ્યોને ભારત અને વિદેશ સહિત વિવિધ ક્ષેત્રોમાં તેમના યોગદાન અને સિદ્ધિઓને સન્માનિત કરવા માટે પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, વિદેશ પ્રધાન એસ જયશંકર અને નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા.
અગાઉ, પ્રેસિડન્ટ મુર્મુએ સંમેલન દરમિયાન સુરીનામ અને ગયાનાના તેમના સમકક્ષ ચંદ્રિકાપરસાદ સંતોખી અને ઈરફાન અલી સાથે મુલાકાત કરી હતી.