‘’સૌ પ્રથમ વખત ભારતમાં ઓળખાયેલો B1.617.2 એટલે કે ડેલ્ટા વેરિયન્ટ કહેવાતા કેન્ટ વેરિયન્ટની સરખામણીએ લગભગ 40 ટકા વધુ ટ્રાન્સમિસિબલ છે અને તેના કારણે 21 જૂનના રોજ નક્કી કરાયેલ અનલોકિંગ યોજનાઓ વધુ મુશ્કેલ બની છે. સરકાર પ્રતિબંધોને હટાવવા માટે “એકદમ ખુલ્લી” છે અને જો જરૂરી ટેસ્ટમાં સ્થિતી યોગ્ય નહિં જણાય તો સરકાર અનલોકિંગમાં વિલંબ કરશે’’ એમ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે 6 જૂને જણાવ્યું હતું.
મેટ હેનકોકે સ્કાય ન્યૂઝને કહ્યું હતું કે ‘’ડેલ્ટા વેરિયન્ટના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયેલા મોટાભાગના લોકોએ રસી લીધી નહોતી અને માત્ર થોડાક લોકોએ જ કોવિડ-19 રસીના બંને ડોઝ મેળવ્યા હતા. વૈજ્ઞાનિકોની સલાહ છે કે ભારતના ડેલ્ટા વેરિયન્ટ સામે કોવિડની રસનો એક ડોઝ વધારે અસરકારક નથી પરંતુ રસીના બંને ડોઝ વધારે અસરકારક છે. જ્યારે કેન્ટના આલ્ફા વેરિયન્ટ સામે રસીનો એક ડોઝ પણ અસરકારક છે.’’
તેમણે જણાવ્યું હતું કે ‘’એનએચએસ દ્વારા આગામી દિવસોમાં 30 કરતાં નીચેની વયના લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવશે અને પછી એક એવા બિંદુ પર પહોંચી જઇશું જ્યાં આ દેશના પુખ્ત વયના તમામ લોકો રસી ધરાવતા હશે. રસીનો પ્રથમ ડોઝ એટલો અસરકારક ન હોવાથી દરેકે બીજો ડોઝ મેળવવો જ જોઈએ જેથી આપણે કોવિડ-19 કેસની સંખ્યા અને હોસ્પિટલમાં દાખલ થતા કેસો ઘટાડી શકીએ.’’
સરકાર જે ચાર નિર્ણાયક ટેસ્ટ પર આધાર રાખે છે તેમાં પ્રથમ ટેસ્ટ એ છે કે જીવલેણ વાઇરસના જોખમનું મૂલ્યાંકન નવા વેરિયન્ટ ઓફ કન્સર્ન દ્વારા મૂળભૂત રીતે બદલાયું નથી. જ્યારે અન્ય ત્રણ ટેસ્ટમાં રસીકરણ કાર્યક્રમ અને તેના પુરાવા, રસી મેળવનારાઓનું હોસ્પિટલાઇઝેશન અને મૃત્યુ તેમજ ચેપના કારણે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાં વધારો એનએચએસ પર દબાણ લાવશે કે કેમ તે છે. તે ચાર પૈકી ત્રણ ટેસ્ટ સફળ રહ્યા છે. જ્યારે પ્રથમ ટેસ્ટ ડેલ્ટા વીઓસીના જોખમના એસેસમેન્ટ બાદ સરકાર 14 જૂનના રોજ અનલોકિંગ રોડમેપની જાહેરાત કરશે. સરકારે સંકેત આપ્યો છે કે ચહેરા પર માસ્ક પહેરવાનું અને ઘરેથી કામ કરવાનું લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે.
ઇંગ્લેન્ડના અડધાથી વધુ લોકો એટલે કે 23,077,511 લોકોને રસીના બંને ડોઝ અને ઇંગ્લેન્ડની પુખ્ત વસ્તીના 75 ટકા એટલે કે 33,525,485 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે. યુકેમાં શુક્રવાર 4 જૂનના રોજ વધુ 6,238 કોરોનાવાયરસ કેસ નોંધાયા હતા અને ઇંગ્લેન્ડનો આર રેટ ફરીથી વધવા લાગ્યો હતો.