કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં છ વ્હિકલ વચ્ચેના માર્ગ અકસ્માતમાં એક ભારતીય દંપતી અને તેમના ત્રણ મહિનાના પૌત્ર સહિત ચાર લોકોના મોત થયાં હતાં. આ અકસ્માતમાં શિશુના માતા-પિતા પણ ઘાયલ થયા હતા. પોલીસે શરાબની દુકાનમાં લૂંટના મામલામાં શંકાસ્પદનો પીછો કરી રહી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. છ વ્હિકલની આ અથડામણમાં લૂંટના શકમંદનું પણ મોત થયું હતું.
પોલીસે જણાવ્યું હતું કે ટોરોન્ટોથી લગભગ 50 કિલોમીટર પૂર્વમાં વ્હીટબાયમાં હાઈવે 401 પર ચારેય લોકોને ઘટના સ્થળે મૃત જાહેર કરાયા હતાં. મૃતકોમાંથી એક 60 વર્ષીય પુરુષ અને એક 55 વર્ષીય મહિલા ભારતને મુલાકાતે આવી રહ્યાં હતા. પોલીસે મૃતકોના નામ જાહેર કર્યા ન હતાં. મલ્ટી-વ્હીકલની ટક્કરમાં દંપતીના ત્રણ મહિનાના પૌત્રનું પણ મૃત્યુ થયું હતું. શિશુના માતા-પિતા, તેના 33 વર્ષીય પિતા અને 27 વર્ષીય માતા આ જ વ્હિકલમાં મુસાફરી કરી રહ્યા હતાં અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. માતાને ગંભીર ઇજા થઈ હતી.