વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બુધવારે, 24 જૂને કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં કો-ઓપેરેટીવ બેંકને લઈ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત દેશની દરેક સહકારી બેંક ( અર્બન કો-ઓપરેટીવ બેંક હોય કે પછી મલ્ટી સ્ટેટ કો-ઓપેરેટીવ બેંક હોય) રિઝર્વ બેંકના સુપરવિઝન હેઠળ આવશે. અત્યારે દેશમાં ૧૪૮૨ અર્બન કો-ઓપરેટીવ બેંક અને ૫૮ મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેંક છે.
હવે આ દરેક સહકારી બેંકોનું ઓડિટ આરબીઆઈના નિયમો હેઠળ કરવામાં આવશે. જો કોઈ બેંક પર નાણાંકીય સંકટ ઉભું થાય છે તો તેના બોર્ડ પર પણ RBI નજર રાખશે. જોકે વહીવટી મુદ્દાઓ રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ જોતા રહેશે. સવાલ એ છે કે સરકારે આ નિર્ણય કેમ લીધો અને તેનાથી દેશની જનતાને શું ફાયદો થશે?
છેલ્લા ઘણા સમયથી દેશના અલગ અલગ ભાગમાં કો-ઓપરેટીવ બેંકના નિયમોની અનિયમિતતાને લઈને ખુલાસો થયો છે. સૌથી મોટું ઉદાહરણ જોવા માટે જઈએ તો પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંક છે. આ બેંકે રિઝર્વ બેંકના નિયમોનું ઉલ્લંઘન તો કર્યું જ હતું અને સાથે સાથે સરકારને પણ અંધારામાં રાખી હતી.
પીએમસી બેંકના મેનેજમેન્ટ પર આરોપ છે કે,નિયમોને સાઈડ પર રાખીને હાઉસિંગ ડેવલોપમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોન આપવામાં આવી હતી. બેંકે આ લોન એવા સમય દરમિયાન આપી હતી કે જયારે તે દેવાળું ફુકવાની સ્થિતિમાંથી પસાર થઇ રહી હતી.
વર્ષ ૨૦૧૯માં તેનો ખુલાસો થયો હતો. ત્યારબાદ રિઝર્વ બેંકે પીએમસી બેંક પર ઘણો પ્રતિબંધ લગાવી દીધો હતો. પ્રતિબંધ અંતર્ગત ગ્રાહકોને રૂપિયા ઉપાડવા બાબતે પણ લીમીટ નક્કી કરવામાં આવી હતી. બેંકે નવી લોન અને રોકાણ સિવાય જમા કરાવવા મુદ્દે પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. એવામાં મુંબઈ સ્થિત સીકેપી સહકારી બેંકનું લાયસન્સ પણ રદ કરી દીધું હતું.