ભારતના 3.92 લાખ નાગરિકોએ છેલ્લાં ત્રણ વર્ષમાં પોતાનું ભારતીય નાગરિત્વ છોડ્યું છે. ભારત સરકારે મંગળવારે લોકસભામાં માહિતી આપી હતી કે નાગરિકત્વ છોડનારા લોકોમાંથી સૌથી વધુ ૧.૭૦ લાખ અમેરિકાના નાગરિક બન્યા હતા. કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, “વિદેશ મંત્રાલયે આપેલી માહિતી અનુસાર ભારતીયોએ વ્યક્તિગત કારણોસર નાગરિકત્વ છોડ્યું હતું. આ લોકોએ જુદાજુદા ૧૨૦ દેશની નાગરિકતા લીધી છે.”
તેમણે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, “કુલ ૩,૯૨,૬૪૩ ભારતીયોએ ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧માં નાગરિકત્વ છોડ્યું હતું. જેમાંથી ૧,૭૦,૭૯૫ લોકોએ અમેરિકા, ૬૪૦૭૧ લોકોએ કેનેડા, ૫૮૩૯૧ લોકોએ ઓસ્ટ્રેલિયા, ૧૨૧૩૧ લોકોએ ઇટાલી, ૩૫૪૩૫ લોકોએ બ્રિટન, ૮૮૮૨ લોકોએ ન્યૂઝીલેન્ડ, ૭૦૪૬ લોકોએ સિંગાપોર, ૬૬૯૦ લોકોએ જર્મની, ૩૭૫૪ લોકોએ સ્વિડન અને ૪૮ લોકોએ પાકિસ્તાનની નાગરિકતા લીધી છે.”
અહેવાલ મુજબ ગયા વર્ષે ૧,૬૩,૩૭૦ ભારતીયોએ નાગરિકત્વ છોડ્યું હતું. ૨૦૧૯માં આ ટ્રેન્ડ સૌથી વધુ જોવાયો હતો. ૨૦૧૯ અને ૨૦૨૦માં અનુક્રમે ૧,૪૪,૦૧૭ અને ૮૫,૨૫૬ લોકોએ નાગરિકતા છોડી હતી. ૨૦૨૧માં ૭૮,૨૮૪ ભારતીયોએ દેશનું નાગરિકત્વ છોડી અમેરિકાની સિટિઝનશિપ મેળવી હતી. જ્યારે ૨૩,૫૩૩ લોકોએ ઓસ્ટ્રેલિયા, ૨૧૫૯૭ લોકોએ કેનેડા અને ૧૪૬૩૭ લોકોએ બ્રિટનની નાગરિકતા લીધી હતી. ભારતીયો દ્વારા નાગરિકત્વ છોડવાના કારણો અંગે પુછાતા રાયે જણાવ્યું હતું કે, “નાગરિકો વ્યક્તિગત કારણોસર ભારતની નાગરિકતા છોડે છે.” પ્રધાને આપેલા ડેટા પ્રમાણે એવા ૧૦૩ દેશ છે જ્યાં ભારતીયોએ તેમની નાગરિકતાનો ત્યાગ કર્યો છે.