Japan tops the list of powerful passports, India ranks 85
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

છેલ્લાં પાંચ વર્ષમાં ભારતના આશરે છ લાખ લોકોએ પોતાની ભારતીય નાગરિકતા છોડી દીધી છે. વિદેશ મંત્રાલય પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની કુલ સંખ્યા આશરે આશરે 1.34 કરોડ છે, એવી કેન્દ્રીય ગૃહરાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે લોકસભામાં મંગળવાર, 30 નવેમ્બરે માહિતી આપી હતી.

પ્રધાનના જણાવ્યા અનુસાર  2017ના વર્ષમાં 1,33,049 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી હતી. જ્યારે 2018ના વર્ષમાં 1,34,561 લોકોએ ભારતીય સદસ્યતા છોડી દીધી હતી. 2019માં 1,44,017 ભારતીયોએ પોતાની સદસ્યતા છોડી હતી. 2020માં 85,248 લોકોએ અને 2021ના વર્ષમાં 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં 1,11,287 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી હતી.

આની સામે છેલ્લાં પાંચ વર્ષમાં કુલ 10,645 લોકોએ ભારતીય નાગરિકતા માગી હતી. જેમાંથી 4,177 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી હતી.

નિત્યાનંદ રાયે જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષમાં 87 દેશના કુલ 10,645 લોકોએ ભારતની નાગરિકતા માગી છે. આંકડાઓ પ્રમાણે ભારતની નાગરિકતાની સૌથી વધારે માગણી પાકિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલી છે. છેલ્લા 5 વર્ષથી પાકિસ્તાની અલ્પસંખ્યકોએ ભારતના શરણમાં આવવાનું ચાલુ કરી દીધું છે. કુલ 7,782 પાકિસ્તાનીઓએ ભારતની નાગરિકતા માટે અપીલ કરી છે.

તે સિવાય આ યાદીમાં બીજા નંબરે અફઘાનિસ્તાનનું નામ છે અને ત્યાંના 795 લોકો ભારતના નાગરિક બનવા માટે તૈયાર જણાઈ રહ્યા છે.  ત્રીજા નંબરે 227 અમેરિકાન્સ, ચોથા ક્રમે શ્રીલંકાના 205 લોકો અને પાંચમા ક્રમે પાડોશી દેશ બાંગ્લાદેશના 184 લોકોએ હિંદુસ્તાનની નાગરિકતા માટે અપ્લાય કરેલું છે.

જો છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો આ યાદીમાં બાંગ્લાદેશ, પાકિસ્તાનને પછાડીને નંબર-1 બની જાય છે. આંકડાઓ પ્રમાણે છેલ્લા 10 વર્ષમાં 15,176 બાંગ્લાદેશીઓએ ભારતની નાગરિકતા માગી છે. જ્યારે 4,085 પાકિસ્તાનીઓ એવા પણ છે જેમને ભારતના શરણમાં આવવાનું યોગ્ય લાગ્યું.

એક તરફ અનેક લોકો દ્વારા ભારતીય નાગરિકતાની માગણી કરવામાં આવી છે તો એક વર્ગ એવો પણ છે જેણે પોતાની ભારતીય નાગરિકતાનો ત્યાગ કરીને અન્ય દેશોની નાગરિકતા અપનાવી છે.