લંડનમાં જનરલ પ્રેક્ટીશનર તરીકેની કામગીરી બદલ મહિલા દર્દીઓ ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટના 90 ગુનામાં દોષિત ઠરેલા 50 વર્ષના મનિષ નટવરલાલ શાહ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સની હાઈકોર્ટે શુક્રવારે આજીવન કેદની ત્રણ સજા ફરમાવી હતી. તેની સામે પોતાની કામવાસના સંતોષવાના ઈરાદે મહિલા દર્દીઓની બિનજરૂરી શારીરિક તપાસ કરવાના આરોપો હતો. મનિષ યુનિવર્સિટી ઓફ લંડનમાંથી અભ્યાસ કરીને 1993માં ડોક્ટર બન્યો હતો.
હાઈકોર્ટમાં કરવામાં આવેલી રજૂઆત પ્રમાણે મનિષે 2009 થી 2013 દરમિયાન મહિલા દર્દીઓ સમક્ષ એન્જેલિના જોલી અને જેડ ગુડી જેવી સેલીબ્રિટિઝની રોગની સમસ્યાઓના દાખલા આપી તેમને ડરાવતો.
જજ એન્ન મોલીનેક્સે અપરાધીને છેતરપિંડીનો માસ્ટર ગણાવતા કહ્યું હતું કે તેણે પોતાના સત્તાધિશ તરીકેના દરજ્જાનો દુરૂપયોગ કર્યો હતો. તેણે એવી વાતો ઉપજાવી કાઢી હતી કે, જે મહિલા દર્દીઓના મગજમાં ઉતરી જતી અને તેઓ ડરી જતી. તેનું વર્તન વાસનાલોલુપ તો હતું, તે ઉપરાંત તેની ઈચ્છાઓ અને ઈરાદા મહિલાઓને પોતાના વશમાં લેવાના કે ક્યારેક તેમને અપમાનિત કરવાના પણ હતા.
ઈસ્ટ લંડનમાં રોમફોર્ડમાં જીપી તરીકે કાર્યરત મનિષ શાહ દર્દીઓને એવી ભલામણ કરતા કે તેઓએ પોતાના વક્ષસ્થળની (છાતી) અને યોનિની તપાસ નિયમિત સમયાંતરે કરાવતા રહેવું જોઈએ, આરોગ્યની દ્રષ્ટિએ (ક્લિનિકલી) એવી જરૂરત ના હોય ત્યારે પણ. સર્વાઈકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર તથા અન્ય રોગો સામે તકેદારી માટે આવી તપાસ અરજન્ટ હોવાનું પણ તે જણાવતો.
કોર્ટમાં એવું પણ જણાવાયું હતું કે, આ ડોક્ટર પોતાની કેટલીક મહિલા દર્દીઓ સાથે ‘વધુ પડતા અંગત પરિચય’ ધરાવતો હતો અને તેમની સાથેની વાતચિતમાં અણછાજતી ટીપ્પણીઓ કરતો, અજુગતો શારીરિક સંપર્ક કરતો કે તેમને ભેટી પડતો, કિસ પણ કરતો.
ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના પોલ ગોડાર્ડે એવું કહ્યું હતું કે, મનિષ શાહ દર્દીઓના એક વિશ્વાસપાત્ર ફેમિલી ડોક્ટર હતા, પણ તેણે એ વિશ્વાસનો દુરૂપયોગ કરી પોતાની મહિલા દર્દીઓનો ગેરલાભ લીધો હતો અને પછી તેમની ડોક્ટરી તપાસની નોંધમાં ખોટી વિગતો ઉમેરી તેમની એ પ્રકારની શારીરિક તપાસને યોગ્ય ઠરાવવાનો પ્રયાસ કર્યો હતો. એવી તપાસની મૂળભૂત રીતે કોઈ જરૂર જ નહોતી. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ એ તમામ મહિલાની પ્રશંસા કરે છે જેમણે હિંમત દાખવી સાક્ષી તરીકે હાજર થઈ પુરાવા આપ્યા અને જ્યુરીને ડો. શાહ દોષિત હોવાની વાત ગળે ઉતારી. ડો. શાહની પહેલીવાર સપ્ટેમ્બર, 2013માં ધરપકડ કરાઈ હતી. અગાઉના 2018ના એક કેસમાં અન્ય 18 દર્દીઓના મામલામાં પણ તેને દોષિત ઠેરવાયો હતો, તે સાથે મળીને હવે તે 23 દર્દીઓ સાથે આવું ગેરવર્તન કરવાના 90 ગુનામાં દોષિત ઠર્યો છે.
ડો. શાહના વકીલ ઝો જ્હોનસને સજાના પ્રતિભાવમાં કહ્યું હતું કે, બેશક આ તમામ મહિલાઓને પોતાની સાથે હળાહળ દુર્વ્યવહાર થયાની, અપમાનિત થયાની લાગણી થતી હશે, મનિષ શાહમાં તેમણે જે વિશ્વાસ મુક્યો હતો તેનો આ રીતે ખૂબજ ઘૃણાસ્પદ દુરૂપયોગ થયાનું લાગ્યું હતું. ડો. શાહ ખરેખર આ બધાનો આ રીતે ગેરલાભ લેવા, તેમની લાગણી અને સન્માન દુભાવવા બદલ ઉંડા ખેદની લાગણી વ્યક્ત કરે છે, તેઓ માને છે કે પોતાના કૃત્ય બદલ તેઓ તો પુરતી માફી પણ માંગવાને લાયક નથી.