ગયા વર્ષે વર્લ્ડ કપ ઝમકદાર દેખાવ બદલ ભારતના આક્રમક બેટ્સમેન રોહિત શર્માને ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) ‘ખેલ રત્ન’ એવોર્ડ માટે નોમિનેટ કર્યો છે. બોર્ડે શનિવારે (30 મે) આ માહિતી આપી હતી. તો બોર્ડે શિખર ધવન અને ફાસ્ટ બોલર ઈશાંત શર્માને અર્જુન એવોર્ડ માટે પણ નોમિનેટ કર્યા છે.
શિખર ધવન 2018માં અર્જુન એવોર્ડ મેળવતા રહી ગયો હતો. મહિલા વર્ગમાં ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરાઈ છે. દીપ્તિ છેલ્લા ત્રણ વર્ષથી વન-ડે અને ટી-20માં શાનદાર દેખાવ કરી રહી છે.
33 વર્ષના રોહિત શર્માએ 2019ના વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. હિટમેન તરીકે જાણીતા રોહિતે એ ટુર્નામેન્ટમાં પાંચ સદી ફટકારી હતી. તે 81 રનની શાનદાર એવરેજથી 648 રન સાથે ટોપ પર રહ્યો હતો. તે ઉપરાંત, રોહિત શર્માએ ગયા વર્ષે પાંચ ટેસ્ટ મેચમાં 92.66ની એવરેજથી 556 રન અને વન-ડેમાં 57.30ની એવરેજથી 1657 રન કર્યા હતા.
સૌપ્રથમ ખેલ રત્ન પુરસ્કાર ક્રિકેટમાં સચિન તેંડુલકરને 1997-1998માં એનાયત કરાયો હતો. એ પછી 2007માં એમએસ ધોની અને 2018માં વિરાટ કોહલીએ ખેલ રત્ન મેળવ્યો હતો. રોહિત આ સન્માન મેળવનાર ચોથો ક્રિકેટર બની શકે છે. રોહિત શર્મા વન-ડેમાં તોફાની બેટિંગ માટે જાણીતો છે. તેને વન-ડે ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરાયો હતો. તે એક વર્લ્ડ કપમાં પાંચ વન-ડે સદી કરનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. ટી-20 ઈન્ટરનેશનલ્સમાં પણ તે 4 સદી કરનારો પ્રથમ બેટ્સમેન છે.