વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 21-થી 24 જૂન દરમિયાન અમેરિકાની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે ઇન્ડિયન અમેરિકનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ પેન્ટાગોને જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મહિનાની અમેરિકાની મુલાકાત દ્વિપક્ષી સંબંધો માટે નવા માપદંડો સ્થાપિત કરશે તથા બંને દેશો વચ્ચેના સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગને વેગ આપવા માટે “ખરેખર મોટી, ઐતિહાસિક અને આકર્ષક” જાહેરાતો થવાની સંભાવના છે.
ઈન્ડો-પેસિફિક સુરક્ષા બાબતોના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ ડીફેન્સ એલી રેટનરે એક પેનલ ચર્ચામાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી મહિનાના અંત ભાગમાં અહીં વોશિંગ્ટન આવશે, ત્યારે મને લાગે છે કે તે સંબંધો માટે નવા માપદંડો સ્થાપિત કરતી ઐતિહાસિક મુલાકાત હશે. મને લાગે છે કે આ વર્ષની શરૂઆતમાં જાપાન ટૂ પ્લસ ટૂ મીટિંગ સંબંધોમાં નિર્ણાયક ક્ષણ હતી તેવી રીતે આ મુલાકાત પણ નિર્ણાયક બનશે. લોકો વડાપ્રધાન મોદીની આ મુલાકાતને અમેરિકા-ભારત સંબંધો માટે વાસ્તવિક પ્રેરકબળ માનશે. રેટનરે જણાવ્યું હતું કે સંખ્યાબંધ દ્વિપક્ષી મુદ્દા આગળ ધપાવવા અને મોદીની અમેરિકા યાત્રા માટેની પૂર્વભૂમિકા તૈયાર કરવા માટે યુએસ ડીફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી.
મોદીની મુલાકાત દરમિયાન હજારો ભારતીયો વોશિંગ્ટનમાં એકઠા થશે. ઇન્ડિયન અમેરિકનોનું એક ગ્રૂપ એન્ડ્રુઝ એરફોર્સ બેઝ પર જવાની યોજના ઘડી રહ્યું છે. વડાપ્રધાનનું એર ઈન્ડિયા વન વિમાન ન્યૂ યોર્કથી 21મી જૂને બપોરે અહીં લેન્ડ થવાનું છે.
ઇન્ડિયન કોમ્યુનિટીના 600થી વધુ સભ્યો વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસની નજીક આવેલા વિલાર્ડ ઇન્ટરકોન્ટિનેન્ટલની સામે ફ્રીડમ પ્લાઝા ખાતે એકઠા થવાનું આયોજન કરી રહ્યા છે. પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન ત્યાં રોકાવાના છે. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી-યુએસએના પ્રમુખ અદાપા પ્રસાદે જણાવ્યું હતું કે ફ્રીડમ પ્લાઝા ખાતે ઇન્ડિયન કોમ્યુનિટીએ કાશ્મીરથી કન્યાકુમારી અને પશ્ચિમથી પૂર્વ સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારતનો સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત કરવાની યોજના ઘડી છે. કાશ્મીરથી કેરળ અને ઉત્તરપૂર્વથી મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા આશરે 25 કાર્યક્રમોમાં 160 કલાકારો ભાગ લેશે.
ભારતીય અમેરિકન સમુદાય માને છે કે તેઓ આ ઐતિહાસિક ગાથાનો એક ભાગ છે. તેમને ગર્વ છે કે આ મહત્વનો પ્રસંગ બની રહેશે.
22 જૂને 7000થી વધુ ભારતીય અમેરિકનો વ્હાઇટ હાઉસના સાઉથ લોન્સ પર એકઠા થવાનું આયોજન કરી રહ્યા છે. અહીં પ્રેસિડન્ટ બાઇડન અને પ્રથમ મહિલા 21 તોપની સલામી સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે.
મૂળ તમિલનાડુના પ્રેમકુમાર સ્વામીનાથને જણાવ્યું હતું કે ભારત એક અવિકસિત દેશ તરીકે ઓળખાતો હતો. છેલ્લા દસ વર્ષમાં આ તમામ બદલાઈ ગયું છે. મોદીજીનો ખૂબ ખૂબ આભાર કે જેમણે માત્ર IT જનરેશન સાથે જ નહીં, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના સંદર્ભમાં લોકોની તમામ અપેક્ષાઓથી ઉપર જઈને ભારતને બદલી નાખ્યું છે અને તમામ બજારોને નાણાકીય સ્વતંત્રતા આપી છે.
નરેન્દ્ર મોદી તેમની મુલાકાત દરમિયાન બીજી વખત યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે. ભારતીય અમેરિકનોએ જણાવ્યું હતું કે યુએસ કોંગ્રેસને સંબોધવા માટે વડા પ્રધાનને મોકલવામાં આવેલ આમંત્રણ યુએસ અને ભારત વચ્ચેના સંબંધોના ઐતિહાસિક મહત્વની યાદ અપાવે છે તથા તે ખાસ કરીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટેનું સહિયારૂ સ્વપ્ન અને પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરે છે.
વર્જિનિયાના રહેવાસી શ્રીલકેહા રેડ્ડી પાલેએ જણાવ્યું હતું કે “મને લાગે છે કે આ સ્ટેજ પર મોદીના સંબોધનનું મહત્વ સમજવું આપણા માટે મહત્ત્વનું છે.
વડાપ્રધાન મોદી વોશિંગ્ટનમાં જોન એફ કેનેડી સેન્ટરમાં અમેરિકાની ટોચની કંપનીઓના ચેરમેન અને સીઈઓને પણ સંબોધિત કરશે. સાંજે ડીસીમાં રોનાલ્ડ રીગન સેન્ટર ખાતે ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરશે. મોદી 21 જૂને ન્યૂ યોર્કમાં યુએન કોમ્પ્લેક્સની નોર્થ લોનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. અહીં પણ મોટી સંખ્યામાં ઇન્ડિયન અમેરિકન એકઠા થાય તેવી શક્યતા છે.