સીએટલ સિટી કાઉન્સિલનાં સભ્ય સુશ્રી ક્ષમા સાવંત શહેરની ભેદભાવ વિરોધી નીતિમાં જ્ઞાતિ ઉમેરવા ઇચ્છે છે. તેમનું કહેવું છે કે સમગ્ર અમેરિકામાં લોકોને જન્મ સમયે તેમનો સામાજિક દરજ્જો આપવાની સાઉથ એશિયન પ્રથાના આધારે ભેદભાવ થાય છે.
ધ સીએટલ્સ ટાઇમ્સના રીપોર્ટ મુજબ તાજેતરમાં આ દરખાસ્તની જાહેરાત કરતી વખતે સાવંતે જણાવ્યું હતું કે સાઉથ એશિયન અમેરિકન અને અહીં કામ કરતા અન્ય ઇમિગ્રન્ટસને ટેક્નોલોજી અને હોસ્પિટાલિટી ક્ષેત્રો સહિતના સ્થળોમાં જ્ઞાતિના ભેદભાવનો સામનો કરવો પડે છે.
સાવંતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મારી ઓફિસને અમારા સાઉથ એશિયન તથા અન્ય ઇમિગ્રન્ટ સમુદાયના સભ્યો અને તમામ કામ કરતા લોકો સાથે એકતામાં, જ્ઞાતિ આધારિત ભેદભાવને પ્રતિબંધિત કરવા માટે આપણા શહેરમાં દેશનો પ્રથમ કાયદો લાવવાનું ગર્વ છે. વોશિંગ્ટનમાં રહેતા સાઉથ એશિયાના 167,000 થી વધુ લોકો મોટાભાગે ગ્રેટર સિએટલ વિસ્તારમાં વસે છે, આ પ્રદેશે જ્ઞાતિના ભેદભાવ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ.” સીએટલની ભેદભાવ વિરોધી નીતિમાં અત્યારે લિંગ, ઉંમર, વંશ અને સેક્સ્યુઅલ ઓરિએન્ટશનનો સમાવેશ થાય છે. ક્ષમા સાવંત શહેરના એકમાત્ર ઇન્ડિયન અમેરિકન કાઉન્સિલના સભ્ય અને સમાજવાદી છે જેમણે તાજેતરમાં જાહેરાત કરી હતી કે વર્ષના અંતમાં તેમની મુદત પૂર્ણ થશે ત્યારે પોતે કાઉન્સિલ છોડી દેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ કાયદા માટેની લડત ટેકનોલોજી સેક્ટરમાં ચાલી રહેલી ક્રૂર છટણી સામેના મોટા શ્રમિક વર્ગની લડાઈ સાથે પણ જોડાયેલી છે.”
2022માં કેલિફોર્નિયાના ડીપાર્ટમેન્ટ ઓફ ફેર એમ્પ્લોયમેન્ટ એન્ડ હાઉસિંગ એ એપેલેટ કોર્ટના એક ચૂકાદામાં જીત મેળવી હતી, જેમાં જ્ઞાતિના ભેદભાવના આક્ષેપમાં સિસ્કો સીસ્ટમ્સ સામેના કેસ આગળ વધારવાની મંજૂરી આપવામાં આવી હતી. કેસમાં આરોપ છે કે, એક એન્જિનિયરને તેની જ્ઞાતિના કારણે વ્યાવસાયિક તકો, પગાર વધારો અને બઢતીથી વંચિત રાખવામાં આવ્યો હતો.