મિન્નેપોલીસની ઇન્ડિયન અમેરિકન મહિલા પર ફેડરલ જ્યૂરીએ છેતરપિંડી કરવાના વિવિધ સાત ગુના કરવાનો આરોપ મુક્યા છે, તેવું યુએસ એટર્ની એન્ડ્રુ એમ. લુગરે જાહેર કર્યું છે.
કોર્ટના ડોક્યુમેન્ટ્સમાં જણાવ્યા મુજબ, 52 વર્ષીય ખેમવત્તી સિંઘ મિન્નેસોટાસ્થિત હેલ્થકેર સોલ્યુસન્સ કંપની-ગ્લોબલ મેડિકલ સર્વિસીઝની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતી. તેણે અને તેના સાગરિતોએ જુન અને ઓક્ટોબર 2018 વચ્ચે ફ્લોરિડાસ્થિત ઇન્વેસ્ટમેન્ટ કંપની- એમડી કેપિટલ સોલ્યુશન્સ સાથે 2.6 મિલિયન ડોલરના ખોટા કોન્ટ્રાક્ટ કર્યા હતા.
ડોક્યુમેન્ટ્સમાં વધુ જણાવ્યા પ્રમાણે, આ મહિલાએ જે ભંડોળ મેળવ્યું હતું તે એમડી કેપિટલ સોલ્યુશન્સને નહીં ચૂકવીને તેને પોતાની પાસે રાખી લીધું હતું, અને પાંચ મિલિયનથી ડોલરથી વધુની રકમ પોતાના નિયંત્રણ હેઠળના મોરોક્કો ખાતેની બેંકના એકાઉન્ટ્સ અને શેલ કંપનીઓમાં જમા કરાવ્યા હતા.
કોર્ટના ડોક્યુમેન્ટ્સમાં જણાવ્યા મુજબ, સપ્ટેમ્બર 2019માં એમડી કેપિટલ સોલ્યુશન્સે મિન્નેસોટા અને ફ્લોરિડાની કોર્ટમાં ગ્લોબલ મેડિકલ સર્વિસીઝ સામે દાવો કર્યો હતો. 2019ના અંત સુધીમાં ગ્લોબલ મેડિકલ સર્વિસીઝ બંધ થઇ ગઇ હતી અને લાંબા સમય સુધી તેના કર્મચારીઓ પગાર પર નહોતા. આ ઉપરાંત ગ્લોબલ મેડિકલ સર્વિસ કંપનીનું સંચાલન નહીં થતું હોવાનું જાણવા છતાં આ મહિલાએ પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામમાંથી 383, 408 ડોલરનું ભંડોળ મેળવવા માટે ખોટી અરજી કરી હતી. તેણે અરજીમાં એવું ખોટું દર્શાવ્યું હતું કે, તેને 40 જેટલા કર્મચારીઓને માટે પગાર પેટે સરેરાશ 153, 363 ડોલર ચૂકવવા પડ્યા હતા. આથી તેને પ્રોગ્રામ અંતર્ગત અંદાજે 296,800 ડોલર મળ્યા હતા. જેમાંથી તેણે 116,600 ડોલરને પોતાના અંગત બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા અને તે ભંડોળનો ઉપયોગ તેણે હોમ લોન, ક્રેડિટ કાર્ડના નાણા ચૂકવવા અને અંગત ખર્ચ માટે કર્યો હતો. તેના પર વાયર ફ્રોડના સાત ગુનાનો આરોપ મુકવામાં આવ્યો છે અને તેને તાજેતરમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ મેજિસ્ટ્રેટ જજ એલિઝાબેથ કોવાન રાઇટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.