અમેરિકાના મેસેચ્યુએટ્સ રાજયની એક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગત સપ્તાહે પ્રથમ ઇન્ડિયન અમેરિકન જજ તરીકે તેજલ મહેતાએ ન્યાયમૂર્તિપદના શપથ લીધા હતા.
તેઓ એયર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રથમ ન્યાયમૂર્તિ તરીકે સેવા આપશે. તેમણે ગત ગુરુવારે ન્યાયમૂર્તિ તરીકેના શપથ લીધા હતા. તેઓ અગાઉ અહીં એસોસિએટ ન્યાયમૂર્તિ તરીકે સેવા આપી ચૂક્યા છે. લોવેલ સન અખબારના રીપોર્ટ મુજબ આ પદ પર તેમની સર્વસંમત્તિથી નિમણૂક કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સ્ટેસી ફોર્ટસે તેમને શપથ લેવડાવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, તેમના નેતૃત્વમાં એયર ડિસ્ટ્રિક્ટ કોર્ટ સર્વશ્રેષ્ઠ કામગીરી કરશે.
તેજલ મહેતાએ તેના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, “એક વકીલ તરીકે તમે લોકોને મદદ કરી શકો છો, પરંતુ તમે એક મર્યાદામાં તે મદદ કરી શકો છે. પરંતુ એક ન્યાયમૂર્તિ તરીકે તમે ઘણું કરી શકો છો, તમે મુદ્દાના મૂળ સુધી જઇ શકો છો. તમે લોકો સાથે એવી રીતે વાત કરી શકો છો કે, તે હકીકતમાં તેમના સુધી પહોંચે. હું એક મદદનીશ ન્યાયમૂર્તિ તરીકે જેટલી પણ કોર્ટમાં બેઠી છું, મેં આશાઓ અને નિરાશાઓ જોઇ છે.”
પાંચ વર્ષ સુધી એયર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રથમ ન્યાયમૂર્તિ તરીકે સેવા આપી ચૂકેલા જસ્ટિસ માર્ગારેટ ગઝમેને તેજલ મહેતાની પસંદગીને આવકારી છે. તેમણે મહેતાને એવા ન્યાયમૂર્તિ કહ્યા છે, જે લોકો સાથે ભેદભાવ વગરનો વ્યવહાર કરવાની પરંપરા આગળ વધારશે.