અમેરિકામાં 20 વર્ષના ઇન્ડિયન અમેરિકન યુવકે ગયા વર્ષે વ્હાઇટ હાઉસ પર ભાડાની ટ્રકથી હુમલો કરવાનો ગુનો સ્વીકાર્યો છે. અમેરિકામાં કાયમી નિવાસી તરીકે રહેતા આ યુવકે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને ઉથલાવી નાઝી વિચારધારાથી પ્રેરિત સરમુખત્યારશાહી લાવવાના ઈરાદાથી વ્હાઈટ હાઉસ પર હુમલો કરવાની યોજના ઘડી હતી, એમ એક યુએસ એટર્નીએ જણાવ્યું હતું. આ કેસમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ડેબની એલ ફ્રેડ્રિચ 23 ઓગસ્ટે સજાની જાહેરાત કરશે.
ગયા વર્ષે 22 મેના રોજ મિઝોરીના સેન્ટ લૂઈસ રહેતા સાઈ વર્શિથ કંડુલાએ વ્હાઈટ હાઉસની પેરિમીટર સાથે ટ્રકને અથડાવીને વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. કંડુલાએ તપાસકર્તાઓ સમક્ષ કબૂલ્યું હતું કે સરકારને ઉથલાવી નાંખવાના ઇરાદાને હાંસલ કરવા માટે જો જરૂરી હોય તો તેને યુએસ પ્રમુખ અને અન્ય લોકોની હત્યાની યોજના ઘડી હતી.
કોર્ટના દસ્તાવેજો અનુસાર, કંડુલાએ 22 મે, 2023ના રોજ બપોરે સેન્ટ લૂઈસથી વોશિંગ્ટન ડીસીની કોમર્શિયલ ફ્લાઈટમાં વન-વે એરલાઈન ટિકિટ પર ઉડાન ભરી હતી. કંડુલા લગભગ 5.20 વાગ્યે ડ્યુલ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યો હતો એક ટ્રક ભાડે લીધી હતી. તે ખોરાક અને ગેસ માટે રોકાયો હતો અને પછી વોશિંગ્ટન ડીસી તરફ ગયો હતો, જ્યાં તેને એચ સ્ટ્રીટ, નોર્થવેસ્ટ અને 16મી સ્ટ્રીટ, નોર્થવેસ્ટના ઇન્ટરસેક્શન પર વ્હાઇટ હાઉસ અને પ્રેસિડેન્ટ પાર્કની સુરક્ષા માટે ઊભા કરાયેલા બેરિકેડ સાથે ટ્રક અથડાવી હતી. તેનાથી ભાગદોડ મચી હતી. કંડુલાના હાથમાં નાઝી સ્વસ્તિક સાથેનો ધ્વજ અને લાલ-સફેદ બેનર હતાં.
યુએસ પાર્ક પોલીસ અને યુએસ સિક્રેટ સર્વિસના અધિકારીઓએ ઘટનાસ્થળથી કંડુલાની ધરપકડ કરી હતી અને તેને કસ્ટડીમાં લીધી હતી.