અમેરિકામાં 2024ની પ્રેસિડન્ટની ચૂંટણી હાલમાં યોજાય તો યુએસ પ્રમુખ જો બાઇડન રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવારો નિક્કી હેલી અને રોન ડીસેન્ટિસ સામે હારી જશે, પરંતુ તેમના પુરોગામ ડોનાલ્ડ ટ્રમ્પને સાંકડી સરસાઈથી હરાવી દેશે, એમ એક નવા પોલમાં 13 ઓક્ટોબરે જણાવાયું હતું.
ફોક્સ ન્યૂઝના સરવેમાં જણાવાયું હતું કે બાઇડને ટ્રમ્પ (49 ટકાથી 48 ટકા) સામે એક પોઈન્ટની સરસાઇ મેળવી છે, જ્યારે હેલી કરતાં ચાર પોઈન્ટ્સ (49 ટકાથી 45 ટકા) અને ડીસેન્ટિસ બે પોઈન્ટથી પાછળ છે. ઑક્ટોબર 6-9 વચ્ચે હાથ ધરવામાં આવેલા સરવેમાં દર્શાવવામાં આવ્યું છે કે સાઉથ કેરોલિનાના ભારતીય મૂળના આ ભૂતપૂર્વ ગવર્નર સપ્ટેમ્બર પછી સૌથી વધુ સમર્થન મળ્યું છે.
હેલીએ ડેમોક્રેટ્સમાં સૌથી વધુ સભ્યોનું સમર્થન મેળવ્યું છે. આશરે 9 ટકા ડેમોક્રેટ્સ તેમને સપોર્ટ કરે છે, જ્યારે ટ્રમ્પને સૌથી ઓછા 5 ટકા ડેમોક્રેટ્સે સમર્થન આપ્યું હતું.
ભૂતપૂર્વ કોંગ્રેસમેન વિલ હર્ડે જણાવ્યું હતું કે તેમની પાસે મોમેન્ટમ છે, તેમની પાસે અનુભવ છે, અને તે એકમાત્ર એવી વ્યક્તિ છે, જેઓ સામાન્ય ચૂંટણીમાં જો બાઇડનને હરાવવા માટે સતત સમર્થન મેળવી રહ્યાં છે.
ગયા મહિને સીએનએનના એક પોલમાં જણાવાયું હતું કે હેલી એકમાત્ર એવા રિપબ્લિકન છે જે 2024ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં બાઇડનને હરાવી શકે છે. બે વચ્ચેની કાલ્પનિક ચૂંટણીમાં હેલીને 49 ટકા અને બાઇડનને 43 ટકા સમર્થન મળ્યું હતું. આમ હેલી બાઇડન કરતાં સતત સરસાઈ મેળવી રહ્યાં છે.
ફોક્સ ન્યૂઝના સરવેમાં જણાવાયું છે કે કાનૂની પડકારોનો સામનો કરી રહ્યાં હોવા છતાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ટ્રમ્પે રિપબ્લિકન પ્રેસિડન્ટની રેસમાં પોતાની લીડ જાળવી રાખી હતી. 77 વર્ષના ટ્રમ્પને રિપબ્લિકન પ્રાયમરી મતદારોમાં 59 ટકા સમર્થન મળ્યું છે. માર્ચ પછીથી ટ્રમ્પને 50 ટકાથી વધુ સમર્થન મળી રહ્યું છે અને સપ્ટેમ્બરે વિક્રમજનક 60 ટકા થયું હતું.
ઓગસ્ટના અંતમાં પ્રથમ રિપબ્લિકન પ્રાયમરી ડિબેટમાં હેલીએ કહ્યું હતું કે ટ્રમ્પ 2024ની પ્રેસિડન્ટની ચૂંટણી માટે પક્ષના ઉમેદવાર નહીં હોય.