એટલાન્ટામાં એક ઇન્ડિયન અમેરિકન લેબોરેટરી માલિકને USD 447.54 મિલિયનના જેનેટિક ટેસ્ટિંગ સ્કેમમાં સંડોવણી બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમની સામે મેડિકેર સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. ફ્લોરિડામાં ફેડરલ કોર્ટે મિનલ પટેલને હેલ્થકેર ફ્રોડ અને વાયર છેતરપિંડી કરવાના કાવતરામાં દોષિત ઠેરવ્યા હતા. મિનલ પટેલની સજાની જાહેરાત 7 માર્ચ 2023ના રોજ થશે.
ફેડરલ પ્રોસિક્યુટર્સે આરોપ મૂક્યો હતો કે 44 વર્ષના મિનલ પટેલ લેબસોલ્યુશન્સ LLCની માલિકી ધરાવે છે. તેમને ટેલિમાર્કેટિંગ કોલ્સ સાથે મેડિકેર લાભાથીઓને ટાર્ગેટ કરવા પેશન્ટ્સ બ્રોકર્સ, ટેલિમેડિસિન કંપનીઓ અને કોલ સેન્ટર્સ સાથે કાવતરુ ઘડ્યું હતું તથા ટેલિમાર્કેટિંગ કોલમાં ખોટા દાવા કર્યા હતા કે તેમના પેકેજમાં મોંઘા કેન્સર જેનેટિક્સ ટેસ્ટ થાય છે.
ન્યાય વિભાગે જણાવ્યું હતું કે મેડિકેર લાભાર્થીઓ ટેસ્ટ કરાવવા સંમત થયા પછી મિનલ પટેલે ટેલીમેડિસિન કંપનીઓ પાસેથી પરીક્ષણો અધિકૃત કરતા ડોકટરોના ઓર્ડર્સ મેળવવા પેશન્ટ બ્રોકર્સને લાંચ ચૂકવી હતી. લાંચ છુપાવવા માટે મિનલ પટેલે પેશન્ટ બ્રોકર્સ સાથે એવા કરારો કર્યા હતા. આ કરારોમાં એવું ખોટી રીતે દર્શાવ્યું હતું કે પેશન્ટ બ્રોકર્સે લેબસોલ્યુશન્સ માટે કાયદેસરની એડવાઇર્ટાઇઝિંગ સર્વિસ કરી છે.