અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના ચીફ ટેકનોલોજિસ્ટ તરીકે એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાત ઇન્ડિયન અમેરિકન એ.સી. ચારણિયાની નિમણુંક કરવામાં આવી છે. તેઓ નાસાના હેડક્વાર્ટરમાં ટેકનોલોજી પોલિસી એન્ડ પ્રોગ્રામ્સ અંગે એડિમિનિસ્ટ્રેટર બિલ નેલ્સનના પ્રિન્સિપાલ એડવાઇઝરી તરીકે કાર્ય કરશે.
એ.સી. ચારણિયા 3 જાન્યુઆરીના રોજ તેમની નવી ભૂમિકામાં આ અવકાશ એજન્સીમાં જોડાયા હતા. તેમણે અન્ય ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક ભવ્ય લાલનું સ્થાન લીધું છે. ભવ્ય લાલ કાર્યકારી ચીફ ટેક્નોલોજિસ્ટ તરીકે સેવા આપી હતી.
નાસાએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચીફ ટેકનોલોજિસ્ટ તરીકે ચારાણિયા છ મિશન ડિરેક્ટોરેટમાં મિશનની જરૂરિયાતો સાથે નાસાના એજન્સી વ્યાપી ટેક્નોલોજી રોકાણોને સુગ્રથિત કરશે તથા અન્ય ફેડરલ એજન્સીઓ, ખાનગી ક્ષેત્ર અને બાહ્ય હિસ્સેદારો સાથે ટેક્નોલોજી સહયોગની દેખરેખ કરશે.
નાસાના નિવેદનમાં ભવ્ય લાલને ટાંકીને જણાવાયું હતું કે “નાસાના દરેક મિશનમાં ટેક્નોલોજી મહત્વની ભૂમિકા ભજવે છે. અમે શ્રેષ્ઠ નીતિના ઉદ્દેશ્યોને અનુસરી રહ્યા છીએ તેની ખાતરી કરવાથી આ એજન્સી નવીનતામાં વૈશ્વિક લીડર તરીકે સેવા આપવાનું ચાલુ રાખી શકશે. ચારણિયા મોટા, ઝડપથી બદલાતા ટેક્નોલોજી પોર્ટફોલિયોના સંચાલનના અનુભવી લીડર છે. હું તેમના જ્ઞાન અને ઉત્સાહને નાસામાં લાગુ કરવા માટે ઉત્સુક છું.”
ચારણિયાએએ જણાવ્યું હતું કે નાસાના મિશનમાં અમલીકરણ માટે સિસ્ટમમાં ટેકનોલોજી પોર્ટફોલિયોની પસંદગી 21મી સદીમાં ઝડપી વિકાસ માટે જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નાસામાં આંતરિક અને બાહ્ય એજન્સીઓ સાથે ભાગીદારીની અવિશ્વસનીય તકો છે. હું હવે સ્પેસ એન્ડ એવિયેશનના વિકાસના દરમાં વધારો કરવા માટે સમગ્ર કમુયનિટી સાથે કામગીરી કરવા માટે આતુર છું.
નાસામાં જોડાતા પહેલા, ચારણિયાએ રિલાયેબલ રોબોટિક્સ નામની કંપનીમાં પ્રોડક્ટ સ્ટ્રેટેજીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી,
તેમણે જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં સ્નાતક અને માસ્ટર ડિગ્રી અને એમોરી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.