ભારતીય અમેરિકન કિશોરી 13 વર્ષની નતાશા પેરીનયગમે 76 દેશોના 15300 વિદ્યાર્થીઓની સીટીવાય (ટેલન્ટેડ યુથ ટેસ્ટ) ટેસ્ટમાં સતત બીજા વર્ષે નંબર વન સ્થાન મેળવ્યું છે. 2021માં જહોન હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથ ટેસ્ટ તથા ગ્રેડ લેવલથી ઉપરના ટેસ્ટમાં નતાશાએ વર્બલ અને ક્વોન્ટીટેટીવ સેકશનમાં એડવાન્સ્ડ ગ્રેડ ‘8’ પરફોર્મન્સના 90 પર્સેન્ટાઇલ મેળવ્યા હતા. આ વર્ષે પણ નતાશાએ એસએટી, એસીટી, સ્કૂલ એન્ડ કોલેજ એબિલીટી ટેસ્ટ તથા તેના જેવી અન્ય આકારણીમાં અસામાન્ય દેખાવ કર્યો હતો.
ન્યૂ જર્સીની ફ્લોરેન્સ ગૌડીનીર મિડલ સ્કૂલની વિદ્યાર્થીના માતા-પિતા ભારતના ચેન્નાઇના છે. નતાશાને ફૂરસદના સમયમાં જેઆરઆર ટોલ્કીન્સ નોવેલ્સ વાંચવાનું તથા ડુડલીંગ ગમે છે. સીટીવાય વિદ્યાર્થીઓમાં નતાશાના ડિરેક્ટર ડો. એમી શેલ્ટનને જણાવ્યું હતું કે, પ્રતિભાઓમાં ધરબાયેલા જ્ઞાનના ભંડાર તથા સતત શીખતા રહેવાની તેમની ધગશને સલામ.