અમેરિકાના પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં ઈન્ડિયન અમેરિકન્સે મંગળવારે રાત્રે ફંડ રેઈઝિંગના એક જ કાર્યક્રમમાં 3.3 મિલિયન એકત્ર કર્યા હતા, તો સામે બિડેનના પ્રચારકો સમક્ષ એવી ભારપૂર્વક માંગણી કરી હતી કે, બિડેન કેમ્પેઈન દ્વારા ઈન્ડિયામાં કાશ્મીર તથા સીએએ (સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ) વિષે જે અભિગમ અપનાવાયો છે, તે હળવો કરવામાં આવે. ડોનર્સએ બિડેન કેમ્પેઈનના વેબ પ્લેટફોર્મ ઉપર હિન્દુ કોમ્યુનિટી માટે પણ એજન્ડા રજૂ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે.
બિડેન-હેરિસ નેશનલ ફાયનાન્સ કમિટી 2020ના એક સભ્ય, રમેશ કપુરે આ કાર્યક્રમની વિગતો આપતાં કહ્યું હતું કે, આ રકમ સંભવત એક રેકોર્ડ છે, આટલી મોટી રકમ ઈન્ડિયન અમેરિકન્સે પહેલીવાર એક જ કાર્યક્રમમાં એકત્ર કરી છે. બિડેને પોતાના સંબોધનમાં એ વાત કબૂલી હતી કે પોતે જાણે છે કે તેમની સાથે વાઈસ પ્રેસિડેન્ટપદ માટે કમલા હેરિસ છે, તેના કારણે જ આટલો મોટો સહયોગ તેમને મળી રહ્યો છે. આ જંગી રકમમાંથી લગભગ $2 મિલિયન જેટલી રકમ મોટા ડોનર્સે આપી હતી, જ્યારે બાકીના $1.3 મિલિયન નાના ડોનર્સે આપ્યા હતા.
આ વર્ચ્યુઅલ મુખ્ય ફંડ રેઈઝિંગ ઈવેન્ટમાં 200થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઈવેન્ટમાં ઉપસ્થિત કેટલાક લોકોએ આ તકનો લાભ લઈ બિડેનને ટકોર કરી હતી કે તેમના કેમ્પેઈન પ્લેટફોર્મ – “જોઝ વિઝન”માં હિન્દુ કોમ્યુનિટી માટે કોઈ સમર્પિત સેક્શન નથી, જેને તેઓ હિન્દુઓ માટે એક સમાન વ્યવહારના અભાવ સમાન ગણે છે. તેમાં ધર્મ આધારિત વિભાગોમાં મુસ્લિમ્સ, યહુદીઓ તેમજ કેથોલિક ક્રિશ્ચિયન્સ માટે અલગ વિભાગ છે.