અમેરિકામાં સિલિકોન વેલીના રહેવાસી એક ઇન્ડિયન અમેરિકન દંપતીએ પ્રેસિડેન્ટપદની આગામી ચૂંટણી માટે જો બિડેન – કમલા હેરિસના સમર્થનમાં પ્રચાર માટે એક મ્યુઝિક વીડિયો બનાવીને ભારતીયોમાં વાયરલ કર્યો છે. આ વીડિયોમાં ઇન્ડિયન અમેરિકન સેનેટર કમલા હેરિસને મત આપવા અપીલ કરવામાં આવી છે. અમેરિકામાં પ્રેસિડેન્ટપદની ચૂંટણી નજીક આવતા માહોલ ગરમ થઈ રહ્યો છે.
આ વખતની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન મતદારોની ભૂમિકા મહત્ત્વની બની રહેશે.આ વીડિયો બનાવનાર વિનિતા ભૂટોરિયાએ વીડિયો રીલીઝ કર્યા પછી જણાવ્યું હતું કે, સિલિકોન વેલીમાં રહેતા હોવાથી અમે દિલથી નવીનતાપૂર્ણ કામ કરીએ છીએ. અમે અમારી રચનાત્મકતાઓનો ઉપયોગ સાઉથ એશિયન મતદારો સુધી પહોંચવા અને બિડેનની તરફેણમાં મતદાનનો અનુરોધ કરવા માટે કર્યો છે.
આમાં ખૂબ જ મહત્ત્વની વાત એ છે કે, આપણે સહુ એક સમુદાયના સ્વરૂપે આગળ આવીએ અને જે સત્ય છે તેના માટે લડીએ. વિનિતા અને તેના પતિ અજયના આ વીડિયોની શરૂઆત એક નારાથી થાય છે. જેમાં કહે છે કે, અમેરિકાના નેતા કેવા હોય, જો બિડેન જેવા હોય.
અજયે જણાવ્યું હતું કે, મિશિગન, પેન્સિલવેનિયા, નોર્થ કેરોલાઈના, ફ્લોરિડા, વિસ્કોન્સિન અને નેવાડામાં ઇન્ડિયન અમેરિકન મતદારો મહત્ત્વના છે. તેઓ વિજયની સરસાઈ વધારી શકે છે. આ વીડિયો 143 સેકન્ડનો છે અને તેમાં હિન્દી, ગુજરાતી, પંજાબી અને બંગાળી ભાષામાં લોકોને બિડેન અને હેરિસને સમર્થન આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.