Indian American convicted in Lumentum insider trading case
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

લ્યુમેન્ટમ હોલ્ડિંગ્સ ઇન્ક.ના ભૂતપૂર્વ ચીફ ઇન્ફર્મેશન સિક્યુરિટી ઓફિસર અમિત ભારદ્વાજને ઇન્સાઇડર ટ્રેડિંગના કેસના 13 ગુનામાં દોષિત ઠેરવવામાં આવેલો હોવાની જાહેરાત યુએસ એટર્ની ફોર સધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂ યોર્ક- ડેમિયન વિલિયમ્સ દ્વારા કરવામાં આવી હતી.

ભારદ્વાજે નોન પબ્લિક ઇન્ફર્મેશન (બિનજાહેર માહિતી)ના આધારે નફો મેળવ્યો હતો અને આ માહિતીની પોતાના સાથીઓને જાણકારી આપી હતી જેથી તેઓ લ્યુમેન્ટમના ખરીદીના લક્ષ્યાંકમાં નફો મેળવી શકે. ભારદ્વાજની જુલાઈ 2022માં ધરપકડ કરવામાં આવી હતી અને આરોપ મૂકવામાં આવ્યો હતો અને તે યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ગ્રેગરી એચ. વૂડ્સ સમક્ષ તાજેતરમાં દોષિત ઠર્યો હતો.

યુએસ એટર્ની ડેમિયન વિલિયમ્સે જણાવ્યું હતું કે, “લ્યુમેન્ટમના ભૂતપૂર્વ ચીફ ઇન્ફર્મેશન સિક્યુરિટી ઓફિસર અમિત ભારદ્વાજ ગુપ્ત માહિતીને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ ગયા હતા, જે તેમને વિશ્વાસપાત્ર માનીને આપવામાં આવી હતી, તેમણે આ માહિતીનો ઉપયોગ નફો મેળવવા માટે કર્યો હતો, તેણે આ માહિતીને અસંખ્ય મિત્રો અને પરિવારના સભ્યોને આપી હતી. ભારદ્વાજે પોતાની કંપની સાથે તો ઠગાઇ કરી હતી જ, સિક્યુરિટી માર્કેટમાં પણ છેતરપિંડી કરી હતી. એફબીઆઈ દ્વારા તેની સામે તપાસ કરવામાં આવી ત્યારે તેણે ગેરકાયદે કાર્ય છુપાવવાની અને તપાસમાં અવરોધ લાવવાની યોજના પણ ઘડી હતી.

કોર્ટમાં કરવામાં આવેલા આરોપો અને નિવેદનો મુજબ, અમિત ભારદ્વાજને ડિસેમ્બર 2020માં એવી જાણ થઇ હતી કે, લ્યુમેન્ટમ ઇન્ક. કોહેરેન્ટ હસ્તગત કરવાનું વિચારે છે. આ માહિતીના આધારે, ભારદ્વાજે પોતે કોહરન્ટના શેર ખરીદ્યા હતા, અને તે અંગે નજીકની ત્રણ વ્યક્તિઓને માહિતી આપી હતી, તેમાં મિત્ર ધિરેનકુમાર પટેલ, અન્ય મિત્ર, અને ભારદ્વાજના નજીકના પરિજનનો સમાવેશ થાય છે. તેના પરિણામે આ લોકોએ કોહરન્ટ સિક્યુરિટીઝમાં ટ્રેડિંગ કર્યું હતું. આ કમાણીમાંથી 50 ટકા આવક ભારદ્વાજને ચૂકવવા પટેલે સંમતી દર્શાવી હતી. લ્યુમેન્ટમ દ્વારા હસ્તગત કરવાની જાહેરાતને પગલે કોહરન્ટના શેરના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હતો અને તેમાંથી તેમને અંદાજે નવ લાખ ડોલરનો નફો થયો હતો.

ઓક્ટોબર 2021ના આસપાસના સમયગાળામાં અમિત ભારદ્વાજને જાણવા મળ્યું હતું કે, લ્યુમેન્ટમ, નીયોફોટોનિક્સ કોર્પોરેશનની સંભવિત ખરીદી માટે તેની સાથે ગુપ્ત ચર્ચા કરી રહ્યું છે. ભારદ્વાજે આ માહિતી શ્રીનિવાસ કક્કેરા, અબ્બાસ સઈદી અને રમેશ ચિતોરને આપી હતી અને તેના પરિણામે આ તમામે નીયોફોટોનિક સીક્યુરિટીઝમાં ટ્રેડિંગ કર્યું હતું. ભારદ્વાજ અને ચિતોર વચ્ચે સમાન હિસ્સામાં નફો વહેચવાની સંમતી સધાઇ હતી. નવેમ્બર 2021માં લ્યુમેન્ટમ હસ્તગત કરવાની જાહેરાતને પગલે નીયોફોટોનિક્સના શેરના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હતો. તેમણે સામૂહિક રીતે અંદાજે 4.3 મિલિયન ડોલરનો નફો કર્યો હતો.

કેલિફોર્નિયામાં સેન રેમોનના 49 વર્ષનો રહેવાસી અમિત ભારદ્વાજ સિક્યુરિટી ફ્રોડના સાત ગુનામાં અને વાયર ફ્રોડના બે ગુનામાં દોષિત ઠર્યો હતો, જેમાં તેને વધુમાં વધુ 20 વર્ષની જેલ સજા થઇ શકે છે. ભારદ્વાજને 11 જુલાઈ, 2023ના રોજ ન્યાયમૂર્તિ જજ વૂડ્સ સજા ફરમાવશે.

LEAVE A REPLY