ભારતીય સમુદાયના સંગઠન ઇન્ડિયાસ્પોરાના ઉપક્રમે યોજાયેલા ચૂંટણી પછીના વર્ચ્યુઅલ રાજકીય વિશ્લેષણમાં ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ ઉમેદવાર જો બિડેનના સમર્થક સાઉથ એશિયન ગ્રૂપ અને ટ્રમ્પના સમર્થક ઇન્ડિયન અમેરિકન ગ્રૂપ વચ્ચે આ બંને નેતાઓની નીતિઓ અંગે ઉગ્ર વાદવિવાદ થયો હતો. સાઉથ એશિયન ગ્રૂપે ટ્રમ્પની ટીકા કરતાં જણાવ્યું હતું કે ટ્રમ્પે આ સમુદાયમાં વિખવાદ ઊભો કર્યો છે. જોકે ટ્રમ્પ સમર્થક ઇન્ડિયન અમેરિકન્સે જણાવ્યું હતું કે ટ્રમ્પે લઘુમતી સમુદાયોમાં એકતાની ભાવના જગાડી છે.
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના ગવર્નમેન્ટ રિલેશન્સના ભૂતપૂર્વ ડિરેક્ટર અને ટ્રમ્પના સમર્થક જય કંસારાએ જણાવ્યું હતું કે ટ્રમ્પે હિસ્પેનિક મતદાતા માટે ઘણું સારું કામ કર્યું છે. ડેમોક્રેટ્સ હજુ મિશિગન અને વિસ્કોન્સિન જેવા રાજ્યોમાં વિજયનો દાવો કરી શક્યા નથી. ડેમોક્રેટ્સ વાસ્તવિકતા સ્વીકારી શકતા નથી. હકીકતમાં ટ્રમ્પે આફ્રિકન અમેરિકન, હિસ્પેનિક અમેરિકન્સ અને એશિયન અમેરિકન્સ સહિતના લઘુમતી સમુદાયમાં એકતા લાવવા માટે પ્રયાસ કર્યા છે.
જય કંસારાને જવાબ આપતા સાઉથ એશિયન ફોર બિડેનના નેશનલ ડિરેક્ટર નેહા ધવને જણાવ્યું હતું કે ટ્રમ્પ લઘુમતી સમુદાયોમાં એકતા લાવ્યા છે તેવું કંસારા કહે છે ત્યારે એવું લાગે છે કે આપણે અલગ દેશોમાં રહીએ છીએ. મેં આવું પહેલી વખત સાંભળ્યું છે. મુસ્લિમ પર પ્રતિબંધની સાથે આપણા સમુદાયમાં વિખવાદ ઊભો થયો છે. તેથી એકતાની વાત ક્યાંથી આવે છે કે ખબર પડતી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રમ્પે આપણા સમુદાય માટે કંઇ કર્યું નથી. આપણા સમુદાયમાં એકતાની વાત સાંભળવામાં આવતી નથી. આપણો સમુદાય કોવિડ-19ની મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. નાના અને મોટા એમ તમામ બિઝનેસને મોટું નુકસાન થઈ રહ્યું છે. આટલું પૂરતું ન હોય તેમ ટ્રમ્પે H-1B વિઝાને પણ સસ્પેન્ડ કરી દીધા છે.
ઇન્ડિયન વોઇસિસ ફોર ટ્રમ્પનું પ્લેકાર્ડ હાથમાં રાખીને જય મહેતાએ જણાવ્યું હતું કે તેમણે બે વખત ઓબામાને મત આપ્યો હતો, પરંતુ હિલેરી ક્લિન્ટને મત આપી શક્યો ન હતો કારણ કે હું જાણતો હતો કે હિલેરીએ વિદેશ પ્રધાન તરીકે વિશ્વને ઘણું નુકસાન કર્યું હતું. બિડેને વાઇસ પ્રેસિડન્ટ તરીકે કરેલા નુકસાનને પણ તેઓ સારી રીતે જાણે છે.