અમેરિકાના કેલિફોર્નિયામાં પુત્રવધૂને કથિત રીતે ઠાર કરનારા 74 વર્ષના એક ઇન્ડિયન અમેરિકન વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પુત્રવધૂ પોતાના પુત્રને છૂટાછેડા આપવાની યોજના ધરાવતી હોવાથી રોષમાં પુત્રવધૂની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
ઇસ્ટ બે ટાઇમ્સના અહેવાલ મુજબ સિતલ સિંહ દોસાંજે ગયા સપ્તાહે સાઉથ સેન હોજેમાં વોલમાર્ટના પાર્કિંગ લોટમાં પુત્રવધૂ ગુરપ્રીત કૌર દોસાંજની કથિત હત્યા કરી હતી. પુત્રવધૂ વોલમાર્ટમાં નોકરી કરતી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતકે શુક્રવારે તેના અંકલને ફોન પર ભય વ્યક્ત કર્યો હતો કે સિતલ સિંહ તેને શોધી રહ્યા છે. મૃતકે એવું કહ્યું હોવાનું પણ માનવામાં આવે છે કે તેને પાર્કિગ લોટમાં ડ્રાઇવિંગ કરતા સિતલ સિંહ દોસાંજને જોયા હતા. આનો અર્થ એવો થાય છે કે તેઓ પુત્રવધૂને શોધવા માટે 150 માઇલ ટ્રાવેલ કરીને આવ્યા હતા.
મૃતકના અંકલે પોલીસને જણાવ્યું હતું કે ગુરપ્રીત કોર ડરેલી લાગતી હતી. આ પછી ફોન ડિસકનેક્ટ થઈ ગયો હતો. પાંચ કલાક પછી વોલમાર્ટના સાથી-કર્મચારીને સમાન પાર્કિગ લોટ અને સમાન કારમાં ગુરપ્રીતનો મૃતદેહ મળ્યો હતો. ગુરપ્રીતને બે ગોળી વાગી હતી અને ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પોલીસ સમરીમાં જણાવ્યા મુજબ ગુરપ્રીતના અંકલે જણાવ્યું હતું કે ગીરપ્રીત શકમંદના પુત્રને ડિવોર્સ આપવાની પ્રક્રિયામાં હતી. તેના પતિ અને પિતા ફ્રેન્સોમાં રહેતા હતા. ગીરપ્રીત સેન હોજેમાં રહેતી હતી.બીજા દિવસે ફ્રેસ્નોમાં સિતલ સિંહની ધરપકડ કરાઈ હતી. આરોપીના નિવાસસ્થાન પરની સર્ચ કાર્યવાહીમાં .22 કેલિબર બેરેટ્ટા પિસ્તોલ મળી આવી હતી. સિતલ સિંહને સેન હોજેની મેઇલ જેલમાં ખસેડવામાં આવ્યા હતા.