ઇન્ડિયન અમેરિકન હિમાંશુ પટેલની કંપની ટ્રાઇટન ઇલેક્ટ્રિક વ્હિકલે ગુજરાતના કચ્છ જિલ્લામાં ઇલેક્ટ્રિકલ કોમર્શિયલ વ્હિકલ પ્લાન્ટની સ્થાપના માટે મંગળવાર (5 એપ્રિલ)એ ગુજરાત સરકાર સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્લાન્ટ માટે આશરે રૂ.10,800 કરોડનું રોકાણ થશે.
કંપની ભૂજમાં આશરે 645 એકરના પ્લોટમાં પ્લાન્ટ સ્થાપવા માટે 2022-23ના નાણાકીય વર્ષ દરમિયાન આશરે રૂ.1,200 કરોડનું રોકાણ કરશે. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 50,000 ટ્રકની છે.
ગુજરાત સરકારે જારી કરેલા નિવેદન મુજબ ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં આ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કંપનીના સ્થાપક અને સીઇઓ હિમાંશુ પટેલ અને એડિશનલ ચીફ સેક્રેટરી (ઉદ્યોગ અને ખાણકામ વિભાગ) ડો. રાજીવ ગુપ્તાએ સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. સૂચિત પ્લાન્ટમાં ચેસિસ અને કેબિન, રોબોટિક પેઇન્ટ, ચેસિસ સબ એસેમ્બલી, ક્વોલિટી એસ્યોરન્સ અને મટેરિયલ ટેસ્ટિંગ લેબોરેટરી જેવી ફેસિલિટી હશે.