અમેરિકામાં રહેતા 4.2 મિલિયન ઇન્ડિયન અમેરિકનોમાંથી 6.5 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવન ગુજારી રહ્યા હોવાનો અંદાજ છે અને કોરોનાની મહામારીના કારણે આ આંકડો વધે તેવી શક્યતા છે.
તાજેતરમાં અમેરિકાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા જોહન હોપકિન્સની પોલ નિત્ઝે સ્કૂલ ઓફ એડવાન્સ ઈન્ટરનેશનલ સ્ટડીઝના દેવેશ કપૂર અને જાસન બાજવાતે કરેલા રિસર્ચમાં આ ખુલાસો થયો છે. ગુરુવારે ઇન્ડિયાસ્પોરા ફિલાન્થ્રોપી સમિત 2020માં આ રિસર્ચને જારી કરવામાં આવ્યો હતો. સંશોધકોનુ કહેવુ છે કે, અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોમાં પણ બંગાળી અને પંજાબી સમુદાયમાં ગરીબી વધારે જોવા મળે છે.આ પૈકીના એક તૃતિંયાશ લોકો લેબર ફોર્સનો હિસ્સો નથી જ્યારે 20 ટકા તો એવા છે જેમની પાસે અમેરિકન નાગરિકતા પણ નથી.
ઈન્ડિયાસ્પોરા નામની સંસ્થાના સ્થાપક એમ આર રંગાસ્વામીનુ કહેવુ છે કે, ગરીબીમાં રહેતા અમેરિકન ભારતીયોની સ્થિતિ તરફ ધ્યાન દોરવુ જરુરી છે.આ યોગ્ય સમય છે, કારણકે કોરોનાના કારણે ઈકોનોમી પર નેગેટિવ અસર પડવાની છે. સામાન્ય રીતે ભારતીયોને સાધન સંપન્ન માનવામાં આવે છે પણ ભારતીય મૂળના લોકોમાં પણ ગરીબી છે તે અંગે જાગૃતિ લાવવી પડે તેમ છે.