ભારતમાં છેલ્લા બે મહિનામાં અને ખાસ કરીને છેલ્લા બે સપ્તાહમાં વિવિધ એરલાઇન્સ કંપનીઓની ફ્લાઇટ્સમાં ટેકનિકલ ખામીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સ્પાઈસજેટનો આ ઘટનાક્રમ અટક્યા બાદમાં ઈન્ડિગો, એર એશિયા અને એર ઈન્ડિયા સાથે આ પ્રકારની ઘટનાઓ બની હતી અને 19 જુલાઈએ લો કોસ્ટ એરલાઇન ગો-ફર્સ્ટના વિમાનોમાં એન્જિનમાં ખામીઓ સર્જાતા એકાએક લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ બંને વિમાનો વધુ તપાસ ન થાય ત્યાં સુધી ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકાયો હતો.
એવિયેશન રેગ્યુલેટર DGCAના જણાવ્યા અનુસાર ગો-ફર્સ્ટની ફ્લાઇટ VT-WGA G8-386એ મુંબઈથી લેહ માટે ઉડાન ભરી હતી. A320 એરક્રાફ્ટના બીજા એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે તેને દિલ્હી તરફ ડાયવર્ટ કરવું પડ્યું હતું. અન્ય એક ફ્લાઇટ VT-WG G8-6202એ શ્રીનગરથી દિલ્હી માટે ઉડાન ભરી હતી, તેને એન્જિન ઓવરલોડને કારણે દિલ્હી એરપોર્ટ પર પાછું લેન્ડ કરાવવું પડ્યું હતું.
આ પહેલા 5 જુલાઈએ દિલ્હીથી પટના જઈ રહેલી ગો-ફર્સ્ટની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી વિમાનોમાં ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ ખામીઓ વધી ગઈ છે. સ્પાઈસજેટમાં એક મહિનામાં ઓછામાં ઓછી 8 આવી ઘટનાઓ સામે આવી હતી.
DGCAએ એરલાઈન્સને નવી સૂચના જારી કરીને કહ્યું છે કે દરેક ફ્લાઈટ પહેલા નક્કી કરેલા નિયમોનું પાલન કરવું પડશે. એરલાઈન્સને સમસ્યાને સુધારવા માટે 28 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરક્રાફ્ટની સુરક્ષાને લઈને એરલાઈન્સના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક બાદ સોમવારે આ સૂચનાઓ જારી કરવામાં આવી હતી.