ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીના જણાવ્યાનુસાર કોરોના મહામારીના કારણે એપ્રિલથી જૂનના સમયગાળામાં ઇન્ડિયન એરલાઇન્સની આવક 85.7 ટકા ઘટીને 3651 કરોડ થઇ હતી. આ જ પ્રમાણે કર્મચારીઓની સંખ્યા 7 ટકા ઘટીને માર્ચના 74887થી ઘટીને જુલાઇમાં 69589 હતી. રાજ્યસભામાં લેખિત ઉત્તરમાં પુરીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે એપ્રિલ-જૂનમાં એરપોર્ટ ઓપરેશન્સની આવક 5745 કરોડ હતી, તે આ વર્ષે ઘટીને એપ્રિલ-જૂનમાં ઘટીને ફક્ત રૂ. 894 કરોડ થઇ હતી. એરપોર્ટ ઉપર ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સી કર્મીઓ 22.44 ટકા ઘટીને 29254 થયા હતા. એર ઇન્ડિયાની કુલ આવક 2019ના પ્રથમ ક્વાર્ટરના 7066 કરોડથી ઘટી 2020ના પ્રથમ ક્વાર્ટરમાં 1531 કરોડ થઇ હતી. ઘરઆંગણાનો ટ્રાફિક એક વર્ષમાં 5.85 કરોડથી ઘટી 1.2 કરોડ (ક્વાર્ટરની દૃષ્ટિએ) થયો હતો.