ભારતમાં કોરોના વાયરસ મહામારી ભયાનક સ્વરૂપ ધારણ કરતાં મેડિકલ ઓક્સિજન અને દવાઓની અછત ઊભી થઈ છે ત્યારે દુનિયાના ઘણા દેશોએ ભારતને મદદ કરવાની ઓફર કરી હતી. ભારતમાં સતત બે દિવસથી કોરોનાના દુનિયામાં સૌથી વધુ દૈનિક ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે અને 2,000થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે.
ભારતમાં કોરોનાની આ કટોકટી વચ્ચે દુનિયાભરના ઘણા દેશોએ ભારતની મદદ માટે હાથ લંબાવ્યો છે. રશિયાએ ભારતને રેમડેસિવિર અને ઓક્સિજન સપ્લાયની ઓફર આપી છે. ચીને પણ ભારતને કોરોના સામે લડવામાં મદદ કરવાની તૈયારી દર્શાવી છે. જોકે, ભારત તરફથી હજુ કોઈપણ દેશ પાસેથી મદદ માગવામાં આવી નથી. ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેનુઅલ મેક્રોને કોરોના સામે ઝઝૂમી રહેલા ભારતીયો પ્રત્યે એકજૂથ હોવાનો સંદેશ આપ્યો છે અને મદદ કરવાની ઓફર કરી છે. અમેરિકાના ઘણા સાંસદોએ પણ ભારત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 15 દિવસમાં રશિયા તેની નિકાસ પણ શરૂ કરી શકે છે. ભારતમાં ઘણા શહેરોમાં એન્ટી વાયરલ દવા રેમડેસિવિરની અછત જોવા મળી રહી છે. મોસ્કોએ કહ્યું હતું કે, તે પ્રતિ સપ્તાહ 3થી 4 લાખ રેમડેસિવિર ઈન્જેક્શનનો સપ્લાય આપી શકે છે. ટૂંક સમયમાં ઓક્સિજન સપ્લાય પણ શરૂ કરી દેવાશે.
સરહદ વિવાદ વચ્ચે ચીને ગુરુવારે ભારતને જરૂરી સમર્થન અને મદદ કરવાની ઓફર કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ બેનબિને જણાવ્યું કે, કોવિડ-19 મહામારી સમગ્ર માનવતા માટે દુશ્મન છે, જેનો સામનો કરવા માટે આંતરાષ્ટ્રીય એકજૂથતા અને પારસ્પરિક મદદની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, ચીને ભારતમાં તાજેતરમાં જ બગડેલી સ્થિતિ અને મહામારી સામે સારવારના સાધનોની અછતને ધ્યાનમાં લીધી છે. મહામારીને કાબુમાં કરવા માટે ચીન ભારતને શક્ય તમામ મદદ કરશે.
ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેનુઅલ મેક્રોને ભારતમાં કોરોનાના કહેરને લઈને સંવેદના વ્યક્ત કરતા મદદની રજૂઆત કરી હતી. તેમણે પોતાના સંદેશમાં કહ્યું કે, હું કોવિડ-19 સામે ઝઝૂમી રહેલા ભારતીય લોકોને એકજૂથતાનો સંદેશ આપવા ઈચ્છું છું. ફ્રાન્સ આ સંઘર્ષમાં તમારી સાથે છે. અમે દરેક પ્રકારની મદદ કરવા માટે તૈયાર છીએ.
ઈઝરાયલે પણ કોરોનાથી પીડિત ભારત પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ઈઝરાયલના સત્તાવાર ટ્વીટર હેન્ડલમાં જણાવાયું હતું કે, અમે કોરોના સામે અમારા મિત્ર દેશ ભારતની સાથે ઊભા છીએ. અમેરિકાના મેસેચ્યુસેટ્સના ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ એડ માર્કેએ બાઈડેન વહીવટીતંત્રને ભારતની તાત્કાલિક મદદ કરવા અપીલ કરી હતી. એડ માર્કેએ કહ્યું કે, અમેરિકાના બધા લોકો માટે જરૂરી વેક્સીનથી પણ વધુ માત્રામાં છે, પરંતુ આપણે ભારત જેવા દેશોને મદદ કરવાનો ઈનકાર કરી રહ્યા છીએ. તેમણે જો બાઈડેનને અપીલ કરતા કહ્યું હતું કે, આપણી પાસે મદદ માટે સંશાધન છે અને અન્ય લોકોને તેની જરૂરી છે, એવું કરવું આપણી નૈતિક જવાબદારી બને છે. મિશિગનથી ડેમોક્રેટિક પાર્ટીના યુએસ કોંગ્રેસ પ્રતિનિધિ હેલી સ્ટીવન્સે ટ્વીટ કરી ભારતમાં વધતા કોરોનાના કેસો પર ચિંતા વ્યક્ત કરી હતી.