ભારતમાં રમાઈ રહેલા વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટની સૌથી ઉત્તેજનાપૂર્ણ બની રહેલી શનિવાર (14 ઓક્ટોબર) ની મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પ્રભાવશાળી રીતે હરાવી પડોશી ક્રિકેટના કટ્ટર હરીફ સામેનો પોતાનો વર્લ્ડ કપનો અજેય રેકોર્ડ યથાવત જાળવી રાખ્યો હતો.
વિશ્વના પ્રેક્ષકોની કેપેસિટીની દ્રષ્ટિએ સૌથી મોટા, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે કેપેસિટી ક્રાઉડના જબરજસ્ત સમર્થન સાથે ભારતીય બોલરોએ સપાટો બોલાવી પહેલા તો પાકિસ્તાનને 191 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. એક તબક્કે તો 30મી ઓવરમાં પાકિસ્તાન બે વિકેટે 155 રનની ઘણી સારી કહી શકાય તેવી સ્થિતિમાં હતું. એ તબક્કે મોહમ્મદ સિરાજે પાકિસ્તાનના સુકાની બાબર આઝમની વિકેટ લઈ તેના પતનના શ્રીગણેશ કરી દીધા હતા. એ પછી કુલદીપ યાદવના સ્પિનના જાદુએ સાઉદ શકીલ અને ઈફતિખારનો ભોગ લીધો હતો, તો પછી મોહમ્મદ રીઝવાનની વિકેટ લઈ બુમરાહે પાકિસ્તાની બેટિંગની કમર તોડી નાખી હતી.
એકંદરે 36 રનમાં પાકિસ્તાને છેલ્લી આઠ વિકેટ ગુમાવી દીધી હતી અને 42.5 ઓવર્સમાં આખી ટીમ તંબુભેગી થઈ ગઈ હતી. પાકિસ્તાનનો એક પણ બેટ્સમેન એકેય છગ્ગો ફટકારી શક્યો નહોતો, તેની સામે ભારત તરફથી રોહિતે છ અને શ્રેયસ ઐયરે બે છગ્ગા ફટકાર્યા હતા.
જવાબમાં ભારત તરફથી સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે જબરજસ્ત આક્રમક શરૂઆત કરી હતી. ગિલ અને વિરાટ કોહલી જો કે 16-16 રન કરી આઉટ થયા હતા, પણ ટીમનો આક્રમક અભિગમ યથાવત રહ્યો હતો. રોહિતે લગભગ તમામ પાકિસ્તાની બોલર્સને નિર્દયી રીતે ઝુડી નાખતા છ છગ્ગા અને છ ચોગ્ગા સાથે 63 બોલમાં 86 રન ખડકી દીધા હતા. ભારતે એકંદરે 30.3 ઓવર્સમાં ત્રણ વિકેટે 192 રન કરી વિજય પતાકા લહેરાવી હતી. શ્રેયસ ઐયર 53 અને કે. એલ. રાહુલ 19 રને અણનમ રહ્યા હતા. 7 ઓવરમાં એક મેઈડન અને ફક્ત 19 રન આપી બે વિકેટના વેધક આક્રમણ બદલ જસપ્રીત બુમરાને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
આ વર્લ્ડ કપમાં ભારતે શનિવારે ત્રીજી મેચ પછી ત્રણેમાં વિજય સાથે પોઈન્ટ્સ ટેબલ ઉપર પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
પાકિસ્તાનના જબરજસ્ત ધબડકા પછી ભારત બેટિંગમાં આવ્યું ત્યારે શરૂઆતમાં થોડી ચિંતાએ હતી કે પાકિસ્તાનનો ધબડકો થયો ભારતનું પણ ક્યાંક એવુ તો નહીં થાયને.
અમદાવાદમાં મેચના આરંભ પહેલા સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકો માટે એક ખાસ એક મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. એ કાર્યક્રમ જો કે, માત્ર સ્ટેડિયમમાં હાજર ક્રિકેટ ચાહકો માટે હતો. અને તે ટેલિકાસ્ટ કે લાઇવ સ્ટ્રીમ કરાયો નહોતો. કાર્યક્રમમાં શંકર મહાદેવન, સુનિધિ ચૌહાણ, અરિજિત સિંઘ, સુખવિન્દર સિંઘે પરફોર્મન્સ આપ્યું હતું.