સિડનીમાં ત્રીજા ટી-20 મુકાબલામાં ભારતને 12 રને હરાવી સીરીઝમાં વ્હાઈટ વોશ નિવાર્યો હતો. ભારતે જો કે રવિવારે જ સીરીઝ તો જીતી લીધી હતી. ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 186 રન કર્યા હતા. એમાં સુકાની મેથ્યુ વેડના 80 અને ગ્લેન મેક્સવેલના 54 રન મુખ્ય હતા. ભારત તરફથી નટરાજને 33 રનમાં એક તથા વોશિંગ્ટન સુંદરે 34 રનમાં બે વિકેટ ઝડપી હતી.
જવાબમાં ભારત 7 વિકેટે 174 રન જ કરી શક્યું હતું. સુકાની વિરાટ કોહલી (85) સિવાય કોઈ બેટ્સમેન 30 રનના આંકડે પહોંચી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા તરફથી નવોદિત સ્પિનર સ્વેપસને 23 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
એ પહેલા રવિવારે સીડનીમાં જ રમાયેલી બીજી ટી-20માં ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 194 રન કર્યા. ભારતીય ટીમે 19.4 ઓવરમાં 4 વિકેટના ભોગે 195 રનનો ટાર્ગેટ હાંસલ કરી મેચ અને સીરીઝ જીતી લીધી હતી. કાર્યવાહક કેપ્ટન મેથ્યૂ વેડના 58 રન સાથે યજમાને 20 ઓવર્સમાં 5 વિકેટે 194 રન કર્યા હતા. તે સિવાય, સ્ટીવ સ્મિથે 46, હેન્રીક્સે 26 અને ગ્લેન મેક્સવેલે 22 રન કર્યા હતા. મેથ્યુ વેડ થોડો કમનસીબ રહ્યો હતો કે તેનો સરળ કેચ વિરાટ કોહલીએ ગુમાવ્યો હતો, પણ એના કારણે ઉભી થયેલી અણસમજની સ્થિતિમાં તે રનઆઉટ થઈ ગયો હતો. ભારત તરફથી નવોદિત ફાસ્ટ બોલર નટરાજન સૌથી વધુ પ્રભાવશાળી રહ્યો હતો, તેણે ફક્ત 20 રન આપી બે વિકેટ ઝડપી હતી.
ભારત માટે શિખર ધવન અને લોકેશ રાહુલે ઝડપી શરૂઆત કરી હતી. રાહુલે 22 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે 30 રન કર્યા હતા, તો શિખર ધવને ટી-20ની 11મી અડધી સદી કરી હતી. 36 બોલમાં 4 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 52 રન કરી તે એડમ ઝામ્પાનો શિકાર બન્યો હતો.
કોહલીએ પણ 24 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે 40 રન કર્યા હતા. પણ નિર્ણાયક ઈનિંગ હાર્દિક પંડ્યાની રહી હતી, તેણે 22 બોલમાં 42 રન કર્યા હતા અને છેલ્લી બે ઓવર્સમાં 25 રન કરવાના હતા ત્યારે 19મી ઓવરમાં 11 અને 20મી ઓવરના ચાર બોલમાં બે છગ્ગા સાથે 14 રન કરી ભારતને વિજયની મંઝિલે પહોંચાડ્યું હતું.