(ANI Photo)

ઓમાનમાં ગયા સપ્તાહે રમાઈ ગયેલી પાંચ ખેલાડીઓની ટીમની એશિયા કપ હોકીમાં – તે હોકી ફાઈવ્સ તરીકે ઓળખાય છે – ભારતે પુરૂષો અને મહિલાઓ, બન્ને વિભાગમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા. 

શનિવારે પુરૂષોની ફાઈનલ્સમાં ભારત – પાકિસ્તાનનો મુકાબલો ખૂબજ રસાકસીભર્યો રહ્યો હતો. રાબેતા મુજબના સમયે મેચ 4-4ની બરાબરીમાં રહ્યા પછી પેનાલ્ટી શૂટાઉટમાં ભારતે 2-0થી પાકિસ્તાનને હરાવ્યું હતું. 

પેનાલ્ટી શૂટઆઉટમાં ભારત તરફથી મનિન્દર સિંહ અને ગુરજોત સિંહે ગોલ કર્યા હતા. તો ભારતીય ગોલકીપર સુરજ કરકેરાએ પાકિસ્તાનના અરશદ લિયાકત અને મોહમ્મદ મુર્તજાના સ્ટ્રોક રોકી લીધા હતા. રાબેતા મુજબના સમયમાં ભારત તરફથી મોહમ્મદ રાહીલે બે અને જુગરાજ સિંહ તથા મનિન્દર સિંહે 1-1 ગોલ કર્યા હતા.

પાકિસ્તાન તરફથી અબ્દુલ રહેમાનજિકરિયા હયાતઅરશદ લિયાકત અને કેપ્ટન અબ્દુલ રાણાએ 1-1 ગોલ કર્યા હતા. આ પહેલા ભારતનો એલીટ પૂલ સ્ટેજમાં પાકિસ્તાન સામે 4-5થી પરાજય થયો હતો. 

મહિલાઓના મુકાબલામાં જો કે, ભારતીય ટીમ છેક સુધી અજેય રહી હતી. થાઈલેન્ડ સામેની ફાઈનલમાં હાફ ટાઈમમાં તો થાઈલેન્ડને 2-1ની સરસાઈ હતી, પણ એ પછી ભારતીય ખેલાડીઓએ જોરદાર આક્રમણ કરી છ ગોલ ફટકારી દીધા હતા અને એકંદરે 7-2થી વિજય સાથે પ્રથમ ટુર્નામેન્ટમાં ચેમ્પિયનનો તાજ ધારણ કર્યો હતો. 

બન્ને વિભાગની ચેમ્પિયન ભારતીય ટીમ્સને આવતા વર્ષે રમાનારી હોકી ફાઈવ્સ વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળી ગયો છે. 

મહિલા વિભાગમાં એશિયા કપની સિલ્વર મેડાલિસ્ટ થાઈલેન્ડ તથા બ્રોંઝ મેડાલિસ્ટ મલેશિયાને પણ વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળી ગયો છે. તો પુરૂષોના વિભાગમાં સિલ્વર મેડાલિસ્ટ પાકિસ્તાન તથા બ્રોંઝ મેડાલિસ્ટ મલેશિયાને પણ સ્થાન મળી ગયું છે. યજમાન તરીકે ઓમાનનું પણ વર્લ્ડ કપમાં સ્થાન નિશ્ચિત છે. 

LEAVE A REPLY